માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગની કંકોત્રી લખાઇ: ૩૦માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર નો મેળો યોજાશે
પોરબંદર તા.૮
માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રુક્ષ્મણી વર વાંછીત શ્રી ભગવાન…એક ભારત -શ્રેષ્ઠ ભારતના પ્રતિક રૂપ સાંસ્કૃતિક વિરાસત એવા પોરબંદર જિલ્લાના માધવપુરમાં આ લગ્ન ગીત ગુંજતું થવાનું છે. આજે ધૂળેટીના દિવસે ઢોલ નગારા ના તાલ સાથે વાજતે ગાજતે મધુવન માં ચોરીમાર્યા ખાતે ભગવાનને ફુલડોલમાં ઝુલાવી માધવરાયજીના મંદિરે કીર્તન સહિત અબીલ ગુલાલ ના છંટકાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણના ૨૫ વાનાના લગ્ન લખવામાં આવ્યા હતા. બંને પક્ષના મુખ્યાજી દ્વારા ભગવાનના વિવાહ ની કંકોત્રી લખવામાં આવી હતી. ચૈત્ર સુદ બારસ રામ નવમી થી આ મેળો શરૂ થાય છે અને ચૈત્ર સુદ બારસની રાત્રીએ ભગવાનના લગ્ન યોજવામાં આવે છે.
માતા રુક્ષ્મણીજી ઉત્તર પૂર્વ ભારતના રાજકુવારી હતા. ભગવાનશ્રી કૃષ્ણ સાથે તેઓ માધુવ પુરમાં પધારી લગ્ન કર્યા હતા. વર્ષોથી આ મેળો યોજાય છે . વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આ મેળાને રાષ્ટ્રીય ફલક મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મેળામાં વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જેને લઇને જિલ્લા પ્રશાસન દ્વારા મેળાની તૈયારીઓ માટે વિવિધ ૨૮ સમિતિઓ બનાવવામાં આવી છે. મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ એક બેઠક પણ તાજેતરમાં યોજવામાં આવી હતી.