મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી
મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મહાત્મા ગાંધીને પ્રિય એવું સ્વચ્છતાનું કાર્ય દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના દિશા દર્શનમાં થયું છે-મુખ્યમંત્રી
પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સંસદ સભ્યો ધારાસભ્ય સહિતના મહાનુભાવો મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર કિર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 155 ની જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી.
સત્ય ,અહિંસા અને સત્યાગ્રહ નો માર્ગ ચિંધી ગાંધીજીના વિચારોને આત્મસાત કરવા આહવાન કરતા મુખ્યમંત્રી
ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભ આપતા મુખ્યમંત્ર એ જણાવ્યું હતું કે આઝાદીના 7 દાયકામાં સ્વચ્છતા માટે મહત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં- ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનમાં ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે. સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી -સામાજિક દાયિત્વ છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ વડાપ્રધાન ના માર્ગદર્શનમાં આ કાર્ય આગળ ધપાવાનું છે અને કાયમી મંત્ર બનાવવાનો છે તેમ પણ જણાવ્યું હતું. સત્ય ,અહિંસા અને સત્યાગ્રહ નો માર્ગ ચિંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા પૂજ્ય બાપુના વિચારોને આત્મસાત કરવા આહવાન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અંત્યોદયથી સર્વોદયનો મહાત્મા ગાંધીનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રમાં સાર્થક થયો છે.
મુખ્યમંત્રી એ મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત કરવા તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે તેમ પણ જણાવ્યું હતું.
સત્યાગ્રહ ના માર્ગે દેશની આઝાદી અને મહાત્મા ગાંધીના સ્વરાજ અને ખાદીના વિચારોને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત સંદર્ભમાં ખાદીને ગુજરાતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીના વેચાણ પર 20 ટકા નું વળતર આપવામાં આવશે.
કીર્તિ મંદિરમાં નીરવ જોશી અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતા અને ભાવમય પ્રાર્થના સંગીતની પ્રસ્તુતિ કરી હતી.કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળની પણ મુલાકાત લઇ વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી.પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. પૂજ્ય બાપુના વિચારો અને સિધ્ધાંતો ભલે તે સમયના હોય પણ આજે પણ તે એટલા જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે. મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચરખો તેમજ જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી દ્વારા પૂજ્ય બાપુ નાતૈલચિત્ર આપવામાં આવ્યા હતા. તેમજ ગુજરાત, દમણ અને દીવના નેવીના ચીફ રિયલ એડમિરલ અનિલ જગ્ગી દ્વારા મુખ્યમંત્રીને કેપ પહેરાવી સન્માનિત કર્યા હતા.
ઉપસ્થિત સૌ એ સ્વચ્છતાના શપથ લીધા પ્રાર્થનાસભામાં ઊપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કીર્તિ મંદિર સર્વધર્મ પ્રથનાસભામાં રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર,નગરપાલીકા પ્રમુખ ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, કલેકટર કે. ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, રેન્જ આઇજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર-છાયા , પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી રમેશભાઈ ઓડેદરા, પ્રશાંત કોરાટ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઊપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.