આદિત્યાણા ગામે મોટાભાઈ એ જ કરી નાનાભાઈની હત્યા

45 વર્ષીય રામા ઉર્ફે પવન કટારા નામના નાનકડા ભાઈની હત્યા તેના જ મોટાભાઈ જગા કટારા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ ખાતે ગત બુધવારના રોજ રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં જગા કટારા દ્વારા ગુસ્સામાં આવી જઈ પોતાના ભાઈ રામા કટારા ને લાકડી વડે પગમાં તેમજ માથાના ભાગે જીવલેણ ઘા મારતા તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર રામા કટારા અવારનવાર દારૂ પીને નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા કરતો હતો. જે ઝઘડાઓથી કંટાળી જઈને જગા કટારા દ્વારા પોતાના જ નાના ભાઈ રામા કટારાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના પિતા 73 વર્ષીય અરજણ કટારા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ પુત્ર જગા કટારા વિરુદ્ધ ipc 302 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સંતાનમાં તેમને બે દીકરા અને બે દીકરી છે. પોતાનો સૌથી મોટો દીકરો જગા કટારાના પત્ની અગાઉ 15 વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા છે. જગા કટારાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મરણ જનાર રામા કટારાને તેની પત્ની સાથે બાર વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા છે. રામા કટારાને સંતાનમાં 17 વર્ષની દીકરી છે.
દીકરા રામા કટારાને દારૂ પીવાની ટેવ હોય જેથી તે અવારનવાર ઘરે આવીને નાની નાની બાબતોમાં ઘરના સભ્યો તેમ જ મોટા દીકરા જગા સાથે ઝઘડો કરતો હતો. બુધવારના રોજ પણ પરિવારજનો સૌ સાથે હતા ત્યારે રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં રામો ઘરે આવ્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો બોલતા મોટા દીકરા જગા કટારા દ્વારા તેને ગાળો ન બોલવા માટે સમજાવ્યો હતો. તેમ છતાં રામાએ ઝઘડો ચાલુ રાખતા મોટા દીકરા જગા કટારા દ્વારા લાકડી વડે તેને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રામાને વધુ માર માંથી છોડાવવામાં આવ્યો હતો. રામો દારૂના નશામાં હોવાથી તેને સુવા દીધો હતો. ત્યારબાદ સવારે તે ન જાગતા તેમજ તે કંઈ બોલતા ચાલતા ન હોવાના કારણે 108 ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે 108 દ્વારા તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. રામો મરણ ગયેલ હોવાની જાણ થતા દીકરો જગો પણ ઘરેથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મિલન આહીરના જણાવ્યા પ્રમાણે જગા કટારા અને તેમનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોતાના ભાઈનું મૃત્યુ થયું હોવાની જાણ થતા જગા કટારા ગામ છોડીને હાલ અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી હાથ ધરવામાં આવી છે.
