વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટના આધારે ભારત 125 મા ક્રમે

વિશ્વના સૌથી ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ સતત છઠ્ઠા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે. વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રમાણે ભારત આ યાદીમાં 125મા ક્રમે રહ્યું છે. માથા દીઠ જીડીપી, સામાજિક સલામતી, તંદુરસ્ત જીવનશૈલી, આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ઓછાં ભ્રષ્ટાચાર જેવાં પરિબળોને ધ્યાનમાં લઈને ફિનલેન્ડને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. 20 માર્ચે ‘ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે’ નાં રોજ આ અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ નોર્ડિક દેશોમાં 2020 અને 2021માં પશ્ચિમી યુરોપની સરખામણીમાં કોવિડને કારણે ઘણો ઓછો મૃત્યુદર નોંધાયો હતો. નોર્ડિક દેશોમાં કોવિડથી એક લાખે 27 લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે પશ્ચિમી યુરોપનાં દેશોમાં 80નાં મૃત્યુ થયા હતા.ભારત ભલે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોય, પણ એ બહુ ખુશ નથી. ભારત કરતા નેપાળ, ચીન, બાંગલાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશો ખુશીની બાબતમાં આગળ છે. અફઘાનિસ્તાન 137મા ક્રમે છે. યુધ્ધને કારણે રશિયા અને યુક્રેન રેન્કિંગમાં પાછળ રહ્યા હતા.
વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા પ્રસિધ્ધ થાય છે અને તે 150થી વધુ દેશોનાં લોકોનાં સર્વેને આધારે તૈયાર કરવામાં આવે છે એમ સીએનએને જણાવ્યું હતું.આ વર્ષની યાદી અગાઉનાં વર્ષોનાં રેન્કિંગ જેવી જ છે, જેમાં અનેક નોર્ડિક દેશોને સ્થાન મળ્યું છે. આ યાદીમાં ડેન્માર્ક નંબર 2, આઇસલેન્ડ નંબર 3 પર છે.