યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતાર્થે વિદ્યાર્થી નેતાની રજૂઆત સફળ

માર્કશીટમાં સુધારા સાથે અપડેટેડ માર્કશીટ ટૂંક સમયમાં અપાશે
પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજના બીએસસી-૧ના ૧૦થી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટમાં કુલ ગુણ અને સરવાળામાં તફાવત સહિતની ક્ષતિઓ જોવા મળતાં વિદ્યાર્થીઓમાં મૂંઝવણ અને ચિંતા ફેલાઈ હતી. આ અંગે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડનો સંપર્ક કરી સમગ્ર સમસ્યાથી વાકેફ કર્યા હતા.
વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ કિશન રાઠોડ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી તેમજ નિયામકશ્રીને લેખિત પત્ર અને ઇ-મેલ મારફતે રજૂઆત કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે યુનિવર્સિટી દ્વારા ગ્રેસિંગ માર્ક્સના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હોવા છતાં તે ગ્રેસિંગ માર્ક્સ કુલ ગુણમાં ગણવામાં આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરિણામે સેમેસ્ટર એન્ડ પરીક્ષા (SEE)ની માર્કશીટમાં કુલ ગુણ અને સરવાળામાં તફાવત જોવા મળતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેતી વખતે મુશ્કેલીનો સામનો કરી શકે તેવી શક્યતા ઊભી થઈ હતી.
વિદ્યાર્થી નેતા કિશન રાઠોડની રજૂઆતને અનુસંધાને યુનિવર્સિટીના સત્તાધિકારીઓએ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે. યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે કે સંબંધિત વિદ્યાર્થીઓની માર્કશીટમાં જરૂરી સુધારા કરીને અપડેટેડ માર્કશીટ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
યુનિવર્સિટીના આ વિદ્યાર્થીહિતના નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો અને પ્રશ્નના નિરાકરણ માટે યુનિવર્સિટી તંત્ર તેમજ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.
