Watch “માધવપુરના મેળાનો ભવ્ય પ્રારંભ madhavpurmela 2023” on YouTube
ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતા માધવપુર ઘેડના પાંચ દિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રિય મંત્રીપ્રધાનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો
માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક: ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રવાસનને વેગ આપવા બજેટમાં રૂ.૨૦૦૦ કરોડની જોગવાઈ કરી ત્રણ ગણા વધારા સાથે એક ભારત – શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસન વિકાસને નવી દિશા આપી છે: મુખ્યપ્રધાન
માધવપુરનો મેળો સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે: કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુ
કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતિમા ભૌમિક તથા મેઘાલયના પ્રધાન પોલ લિંગડોહએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી
માધવપુરના મેળામાં ઉતર પૂર્વના રાજયોના ૧૫૦થી વધુ કલાકારો અને ગુજરાતના કલાકારોને બિરદાવતા મુખ્યપ્રધાન
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની થીમ પર આયોજિત “માધવપુરના મેળા”નો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રિ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતા, રાજ્યમાં ૧૮થી ૩૦ માર્ચ દરમિયાન વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટમાં ઉત્તર પૂર્વના હસ્તકલા કારીગરો માટે હસ્તકલા મેળા યોજાયા હતા. જેમાં તેમને ૧ કરોડ ૨૯ લાખ રૂપિયાનો બિઝનેસ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતના લોકો સમગ્ર વર્ષ દરમિયાન પણ ટેકનોલોજીના માધ્યમથી ઉત્તર પૂર્વના લોકો પાસેથી ખરીદી કરતા હોય છે.
રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ વખતે પ્રવાસનના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને રૂ. ૨૦૦૦ કરોડની જોગવાઈ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનને નવી દિશા આપી છે.
આ સાથે મુખ્યમંત્રીએ દેશભરના લોકોને માધવપુરના મેળામાં આવીને અહીંની સંસ્કૃતિને માણવા માટે આમંત્રણ આપ્યું હતું. સંબોધનના પ્રારંભે મુખ્યમંત્રીએ સૌને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રૂકમણીજીના વિવાહપ્રસંગ તેમજ રામનવમી પર્વની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રી આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે.
શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કરાયો
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માધવપુર ઉપર ૦૩ ભાષામાં અને ૦૧ ઉપભાષામાં લિખિત પુસ્તકનું લોન્ચિંગ કરાયું હતું. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ઓળખ સમા ગરબા, અરુણાચલ પ્રદેશનું ડાન્સફોર્મ, આસામ તેમજ અન્ય રાજ્યોના ૧૫૦થી વધુ કલાકારોએ સુંદર વેશભૂષામાં કલા, સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્ય પ્રધાને ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોને બંને પ્રદેશની સંસ્કૃતિ પ્રસ્તુત કરતી ગાથા માધવપુરની કૃતિઓ રજૂ કરવા બદલ કલાકારોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. સુપ્રસિદ્ધ લોકગાયિકા લલીતાબેન ઘોડાદ્રા અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા માલદેભાઈ આહિર, સાંઈરામદવે વગેરેએ પોતાની આગવી શૈલીમાં ગીતો લલકારી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તરપૂર્વી રાજ્યના કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો.
માધવપુર મેળાના પ્રસંગે ઉત્તર પૂર્વ તેમજ ગુજરાતના ખેલાડીઓએ દરિયાઈ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ૧૦૦ મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમતનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડમાં, ચૈત્ર શુક્લ નવમી, રામનવમીથી પાંચ દિવસીય મેળો યોજાય છે. આ મેળો પૌરાણિક કાળથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિના સંગમ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રધાન કનુભાઈ દેસાઈ, રાજ્યપ્રધાન ભીખુસિંહજી પરમાર, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો સર્વ શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, કાંધલ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લ, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર, પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.