ગુજરાત રેડક્રોસ આયોજિત વર્કશોપમાં પોરબંદરના હોદ્દેદારો જોડાયા
રેડક્રોસની સેવાને છેવાળાના માણસ સુધી પહોંચાડવા અપાઈ તાલીમ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રાજયકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. એકદિવસીય આ વર્કશોપમાં પોરબંદર રેડક્રોસના હોદ્દેદારો જોડાયા હતા.
આ વર્કશોપના પ્રથમ તબક્કામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યુથરેડક્રોસ અને જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા રેડક્રોસના સેવાયજ્ઞમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને રેડક્રોસની સેવા છેવાળાના માણસ સુધી પહોંચાડવા ઉપસ્થિત હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી અને નિષ્ણાતો દ્વારા તાલિમ આપવામાં આવી હતી.

■ ડિઝાસ્ટર મેનેજમેન્ટ :
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ રેડક્રોસની મુખ્ય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં સમગ્ર ગુજરાતમાં 33 હજાર સ્વયંસેવકોને જોડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ડોકટર, એન્જીનીયર, તરવૈયા, પ્રાથમિક સારવારના જાણકાર, માનસિક પ્રાથમિક સારવારના નિષ્ણાત, સામાજીક સંસ્થાઓના સક્રિય કાર્યકરોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત દરિયા કિનારે આવેલું રાજ્ય છે એટલે પુર, વાવાઝોડું જેવી કુદરતી આફતોનો ભય સતત જળુંબતો રહે છે, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ લીધેલા સ્વયં સેવકો ઝડપથી બચાવ રાહત કામગીરી કરી શકે તે માટે સંપૂર્ણ આયોજન અને તાલીમ આપવામાં આવી હતી.
■ યુથ અને જુનિયર રેડક્રોસ :
બાળકોમાં (વિદ્યાર્થીઓમાં) શાંતિના આદર્શો અને સેવાની તાલીમનું સિંચન થાય અને ખાસ કરીને તેમના તેમજ અન્ય લોકોના સ્વાસ્થ્યની સારસંભાળ રાખે તેમજ સમાજ તથા માનવ પ્રત્યેની જવાબદારી તેઓ સમજે અને સ્વીકારે ઉપરાંત અન્ય રાજ્યો કે દેશોના બાળકો પ્રત્યેની મૈત્રી ભરેલી હમદર્દીની ભાવનામાં વૃદ્ધિ થાય અને આંતરરાષ્ટ્રીય મૈત્રી ભાવના શીખે એ હેતુથી કોલેજ કક્ષાએ યુથ રેડક્રોસ અને શાળા કક્ષાએ જુનિયર રેડક્રોસની ટિમો તૈયાર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે પણ આ વર્કશોપમાં ખાસ તાલીમ આપવામાં આવી હતી.
આમ ઇન્ડિયન રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં આયોજિત વર્કશોપમાં પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખાના ત્રિલોક ઠાકર, જયેશ મોઢા, ધવલ ખૂંટી તથા પોરબંદર તાલુકા શાખાના જય પુરોહિત અને કિશોર મહેતા ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.
