વિશ્વ પર્યાવરણ દિવસ :પોરબંદર જિલ્લાના ૪૫૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી
પર્યાવરણના સંરક્ષણમાં પણ પ્રાકૃતિક ખેતી ફાયદાકારક
પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ થવાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ વધે છે
પોરબંદર.તા.૦૩, જમીનએ પૃથ્વી પર માનવીને મળેલ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. જેના પર ખેતી કરી માનવી જીવન જરૂરિયાત પ્રાથમિક વસ્તુ અન્નનું ઉત્પન્ન કરી શકે છે. આજની ૨૧મી સદીનો યુગ આધુનિક યુગ છે. જેમાં ટેકનોલોજીના ઉપયોગથી અન્નદાતા આધુનિક ઢબે ખેતી કરતો થયો છે. જે ઘણે અંશે ફાયદાકારક રહી છે. પરંતુ તેના લીધે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકશાન પહોચ્યું છે.
પર્યાવરણ પર ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી પર જોવા મળી રહી છે. વધારે પડતાં બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગને લીધે જમીન પ્રદૂષિત થઈ રહી છે જેની સીધી અસર અન્ન ઉત્પાદન પર પડી રહી છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને મહત્વ આપી અન્ન કટોકટીની સમસ્યા નિવારણ લાવવા સતત પ્રયત્ન કરી કૃષકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતીના વ્યાપ વધારવા આત્મા પ્રોજેક્ટ પોરબંદર દ્વારા નિરંતર તાલીમોનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જો વાત કરીએ ગાંધીભૂમિ પોરબંદર ની તો પોરબંદર જિલ્લામાં ચાર હજાર પાંચસો કરતા વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ન માત્ર જમીનને પ્રદૂષણથી રક્ષણ કર્યું છે પણ સારો પાક મેળવી આર્થિક રેતી પણ સક્ષમ બની રહ્યા છે. તથા જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ગુજરાત સરકારની ગાય આધારિત કૃષિ યોજના પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં વેગ આપી રહી છે.
પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિનું પણ સંવર્ધન થાય છે. કેમિકલ મુક્ત ખેતીને લીધે જમીન ફળદ્રુપ બને છે અને પ્રાકૃતિક તત્વો જળવાતા જન આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટે છે. આગામી તા. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી છે ત્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણના સંરક્ષક તરીકે પણ ઉભરી આવી છે.
પ્રાકૃત્તિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, મિક્ષ ક્રોપીંગ જેવા વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યાવિના થતી પ્રાકૃત્તિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થાય છે. પ્રાકૃત્તિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રાસાયણમુક્ત હોઈ માનવ સ્વાસ્થ્ય અનેપ્રકૃત્તિને નુકશાનકારક હોતી નથી તેમજ મનુષ્ય રોગ મુક્ત રહે છે. ખેડૂત દ્વારા પ્રાકૃત્તિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌ-મૂત્ર નો ઉપયોગ કરીને જમીનની પોષણ વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવે છે. વિવિધ પ્રકારના ખાતરો જેવાકે જીવામુત્ત અને ઘન જીવામૃત્ત બનાવવા સારૂ વિના ખર્ચ થતી આ પ્રાકૃત્તિક ખેતીથી જમીનના બંધારણમાં અને જમીન સ્વાસ્થ્યમાં અત્યંત લાભદાયી સાબિત થયેલ છે.
પ્રાકૃતિક કૃષિમાં નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશ પરણીઅર્ક જેવા પાક સરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમોમાં ઉપસ્થિત રાખીને પૂરૂ પાડવામાં આવે છે.