પોરબંદરના રીતુબેન ટાંક યોગના ઓનલાઇન ક્લાસીસ ચલાવી ભારતની યોગ સંસ્કૃતિનો વિદેશમાં કરી રહ્યા છે પ્રચાર પ્રસાર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આપેલી યોગની વિનામૂલ્યાની તાલીમ મારા માટે આવકનું સાધન બની
પોરબંદર તા,૨૦. ગુજરાતના લોકો ખાસ કરીને યુવાનો યોગ તરફ વળે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોને યોગ માટેની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ કેટલાય યોગપ્રેમીઓ નિયમિત યોગ કરતા હોય છે તથા યોગ ક્લાસ પણ ચલાવીને આર્થિક ઉપાર્જન મેળવતા હોય છે.
પોરબંદરમાં યોગપ્રેમી રહેતા રીતુ બેન ટાંકે યોગ વિશે પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી યોગ કરું છું અને યોગ કરાવું છું. મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ વિનામૂલ્યે યોગની તાલીમ લીધી હતી અને મારા કોચ હાર્દિક ભાઈ તન્ના હતા. તાલીમ બાદ હું ભારત ઉપરાંત વિદેશમાં પણ યોગ કરાવું છું, મારી આવકનું સાધન યોગ છે જે મારું ગમતું કામ છે. ભારતની પ્રાચીન યોગ વિદ્યાનું નોલેજ વિદેશમા પણ ક્લાસ મારફત લોકોને પીરસી રહી છું જે મારા માટે ગૌરવની વાત છે. ગમતું કામ કરવાની મજા જ અલગ હોય છે અને એમાં પણ વિદેશમાં ઓનલાઇન ક્લાસ ચલાવીને સારી એવી આવક પણ મળી રહેતા હું ડબલ ખુશી વ્યક્ત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના પ્રયાસોથી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે યોગને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે તે આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ આવતીકાલે તા.૨૧ જૂનના રોજ ગુજરાત યોગમય બનશે. હું યુવાનોને ખાસ અપીલ કરું કે યોગ કરો અને નિરોગી રહો.
