ભાજપ ની ઓફિસ સમજી પાલિકાનું સંચાલન કરતા સત્તાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર ને કોંગ્રેસે કરી ફરિયાદ

સ્ટ્રીટલાઈટ ના કામ માં “ઘર ની ધોરાજી” ચલાવતા હોવાનું વિપક્ષ ના સુધરાઈ સભ્યો ના ધ્યાને આવતા કલેકટર અને રિજિયોનલ કમિશનર ને પાઠવ્યું આવેદન
પાલિકા માં ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ચોંટાડાયેલ લિસ્ટમાં થી વિપક્ષ સુધરાઈસભ્યો નું નામ ગાયબ: હારી ગયેલ ઉમેદવારો ના નામ લખવામાં આવ્યા !!
ભાજપ ની ઓફિસ સમજી પાલિકાનું સંચાલન કરતા સત્તાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને રિજિયોનલ કમિશનર અને ચીફ ઓફિસર ને ફરિયાદ કરી ને જણાવ્યું છે કે, પોરબંદર – છાંયા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને તેના સતાધીશો પાલિકાનું સંચાલન ભારતીય જનતા પાર્ટીની ઓફીસ હોય તે રીતે કરતા હોય તે અંગેની અનેક હકીકતો અવાર – નવાર જોવા મળી રહી છે જેમાંથી વધુ એક વિગત અમારા ધ્યાને આવી છે . અમારા ધ્યાને આવેલ હકીકત મુજબ હાલ પોરબંદર શહેરના દરેક વોર્ડમાં સ્ટ્રીટલાઈટો બંધ હોય જેની ઢગલાબંધ ફરિયાદો પાલિકા કચેરીએ મળી હોવાથી પાલિકા દ્વારા રીપેરીંગની કામગીરી વોર્ડવાઈઝ કરવામાં આવી રહી છે અને આ કામગીરી રાઉન્ડ ધ કલોક મુજબ નિર્ધારીત સમય અને તારીખે જે તે વોર્ડમાં કરવામાં આવી રહી છે જે અંગેની માહિતી પાલિકાએ તેના નોટીસ બોર્ડ પણ પ્રજાની જાણ માટે પ્રસિધ્ધ કરી છે . પોરબંદર –છાંયા નગરપાલિકા ઈલેકટ્રીક વિભાગ દ્વારા વોર્ડની કામગીરીના શેડયુલના લીસ્ટમાં વોર્ડ નં . ૧ થી વોર્ડ નં . ૧૩ માં સુધરાઈસભ્યોના નામ અને વાયરમેનનું નામ અને કામગીરીનું સમય દર્શાવેલ છે જેમાં આશ્ચર્યજનક રીતે વિપક્ષ તમામ સુધરાઈસભ્યોના નામની બાદબાકી કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ ગત ચુંટણીમાં વોર્ડ નં . ૬ માંથી હારી ગયેલ સુધરાઈસભ્યોની નામ નાંખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે પોરબંદર – છાંયા નગરપાલિકા દ્વારા ભેદભાવથી અને અન્યાયી રીતે તેમજ કીન્નાખોરી રાખી કામગીરી કરવામાં આવી રહી છે જે લોકશાહી માટે પણ ખતરાની ઘંટડી છે . આ બાબતે ત્વરીત તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસ ના આગેવાન રામદેવ મોઢવાડીયા તથા યુથ કોંગ્રેસ ના પ્રમુખ ધર્મેશ પરમાર સહિત નાઓ એ રજુઆત કરી હતી.
