પોરબંદર ગુરુકુળ મહિલા કોલેજ ખાતે યુથ ઈન ડેમોક્રેસી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા,૧. પોરબંદર જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ગુરુકુલ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને ૨૦૨૪ માં આવનારા લોકસભા ચૂંટણીના અવસરની પૂર્વ તૈયારી રૂપે ચૂંટણી શાખા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેતૃત્વમાં અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના સંકલનમાં યુવાનોને મતદાન અંગે જાગૃત કરવા તથા મતદાનએ મહાદાન હોય અને લોકશાહી માટે મતદાનની જરૂરિયાત વિષયે માહિતગાર કરવા પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની પ્રેરણાથી એન. એસ.એસ તથા મતદાર જાગૃતિ ક્લબ ગુરુકુલ મહિલા કોલેજમાં યુથ ઈન ડેમોક્રેસી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર શહેર મામલતદારશ્રી આદર્શ બશેર, નાયબ મામલતદાર શ્રી રણજીત મોઢવાડીયા, વહીવટી કર્મચારીશ્રી મિત્તલ માલમ અને શ્રી સંદિપ પરમાર ઉપસ્થિત રહેલા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રોહિણીબા જાડેજા દ્વારા સર્વ મહાનુભાવોનું ગુરુકુલ પરંપરા મુજબ સુતરની માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મામલતદાર શ્રી આદર્શ બશેર દ્વારા એક વિડીયો ચૂંટણી પર્વ એક અવસર બતાવવામાં આવ્યો હતો. લોકશાહીમાં યુવા શક્તિ કઈ રીતે ભાગ લઈ ચૂંટણી પર્વને અવસર તરીકે ઉજવી શકે તેની પર પ્રેરણાત્મક સંવાદ કરવામાં આવ્યો હતો. જે વિધાર્થિનીઓ પાસે મતદાન માટે એપિક કાર્ડ નથી કે જેઓને કાર્ડમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો શું શું કરવું તેની માહિતી આપી હતી.ત્યારબાદ નાયબ મામલતદાર શ્રી રણજીત મોઢવાડીયા દ્વારા ચૂંટણી કાર્ડના વિવિધ ફોર્મ કેમ ભરવા તથા ઑનલાઇન પણ કઈ રીતે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલી એપ્લિકેશનની મદદથી મતદાર સુધારણા કાર્ય કરી શકાય તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

મતદાન એક અવસર તરીકે આજની યુવા પેઢી મનાવે તે માટે કોલેજના પ્રિન્સીપાલ ડો અનુપમ નાગર દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન ઇ. એલ.સી.ક્લબના કોર્ડિનેટર ડૉ.નયન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં પ્રચાર પ્રસાર કરવા માટે એન.એસ.એસ.વિભાગ તથા તેમના પ્રોગ્રામ ઓફિસર ડો.કેતકીબેન પંડ્યા અને ડૉ.રાજેન્દ્ર ચૌધરીએ જહેમત ઉઠાવી હતી અને ટેકનોલોજીનો મદદ શ્રી અરવિંદ રાવલિયા દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ.લીડર કુ.વિરલ રાનાવાયા, કુ.વેદાંશી જોશી અને કુ.ક્રિષ્ના ચોમલ દ્વારા આ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!