એશિયાટીક સિંહોના સંવર્ધન અને સુવિધાઓ માટે સાસણ સિંહસદન ખાતે ‘પ્રોજેક્ટ લાયન’ કમિટીની બેઠક યોજાઈ
તા.૦૨ ગીરના સિંહ રાજ્ય માટે કિંમતી જણસ છે જેનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે ‘પ્રોજેક્ટ લાયન’ અંગેની કમિટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવા ઉપરાંત જે નવા વિસ્તારોમાં સિંહે પોતાના નવા રહેઠાંણ બનાવ્યા છે તેવા વિસ્તારોને ઓળખી અને તે વિસ્તારમાં તેને અનુકૂળ પર્યાવરણ ઉભુ કરવા સુવિધાઓ વિકસાવાશે.
ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ ૨૦૧૫માં ૫૨૩ હતી. જે વર્ષ ૨૦૨૦માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને ૬૭૪ થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા શુભહેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતની શાન સમા સિંહો આવાસની શોધમાં સતત વિસ્તારનો વધારો કરી રહ્યાં છે. જ્યાં હવે સાવરકુંડલા અને મોટા લિલિયા જેવા ક્ષેત્રમાં સિંહ દેખા દે છે. આ સિંહના સંરક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે આવતા ૧૦ વર્ષ સુધીમાં અંદાજીત ૨૯૨૭.૭૧ કરોડના ખર્ચે ‘પ્રોજેક્ટ લાયન’ અંતર્ગત સિંહોના સંવર્ધન માટે વિવિધ માળખાકિય સુવિધાઓ ઉપરાંત લાયન સેલ, વાઈલ્ડલાઈફ ડિસિઝ ડાયગ્નોસ્ટિક રિસર્ચ એન્ડ રેફરલ સેન્ટર, કેટલીકવાર સિંહો અકસ્માતે મૃત્યુ પામે છે તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાનું માળખું વધુ સુદ્રઢ કરાશે.
ઉપરાંત નેશનલ સ્ટિયરિંગ કમિટી ચેરમેન શ્રી ડૉ.એસ.પી.યાદવ દ્વારા શીર્ષ અધિકારીશ્રીઓને પ્રોજેક્ટ લાયન અંતર્ગત સિંહોને જે પ્રકારનો રહેણાંક વિસ્તાર પસંદ છે તે અનુસાર નિયમ મુજબ વન વિભાગના વિસ્તારનો વિકાસ, વન્યપ્રાણીઓના જળસ્ત્રોત વગેરે ઉભા કરાશે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આસિ.ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ડૉ.ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષકશ્રી મોહન રામ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈકો ટૂરિઝમ, સ્થાનિક લોકો માટે રોજગાર, સ્થાનિક સંસ્કૃતિ, સંવર્ધન માટે ‘સિંહ મિત્ર’, વીડી મેનેજમેન્ટ, સિંહ સન્માન રાશિ, સર્વે કરી બાયપાસ બનાવવા, નોઈઝ પોલ્યુશન, લાઈટ પોલ્યુશન વગેરે જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ લાયન હેઠળ અવેરનેસ અંતર્ગત માનવજીવન અને વન્યપ્રાણીઓ પૂરક બને તેમજ સિંહનું સંવર્ધન શા માટે જરૂરી છે તેની પણ વિવિધ સેમિનાર વડે લોકોને સમજ આપવામાં આવશે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત નાણાંકિય પ્લાનિંગ, ઈકો ટૂરિઝમ, ગ્રીન મોબિલિટી, એલિવેટેડ કોરિડોર સહિત અપાર શક્યતાઓને આકાર અપાશે.
અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી એન.શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, એશિયાટીક સિંહો સતત નવા નવા વિસ્તારમાં આવાસ શોધી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ લાયન- ‘લાયન@૨૦૪૭: અ વિઝન ફોર અમૃતકાલ’ હેઠળ આ સિંહો માટે નવો રહેણાંક વિસ્તાર જ્યાં તેઓ વારંવાર દેખા દે છે તેમને પણ વધુ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા અને જળસ્ત્રોત ઉભા કરવા અને કુદરતી વિસ્તાર સમાન રહેણાંક વિસ્તાર પસંદ કરવા વગેરે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ વિવિધ સ્થાનિક વિભાગો અને જનભાગીદારીથી જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે.
આ ઉપરાંત જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહુએ હાલ સિંહના સંવર્ધન અંગે ચાલી રહેલી કામગીરી તેમજ સિંહના રહેઠાણના વિસ્તારો સહિત લાયન લેન્ડસ્કેપ, લાયન સફારી, ડિઝાસ્ટર સમયે વાઈલ્ડલાઈફ એક્ટિવિટી, ટ્રેકર્સ, વૉચટાવર્સ સહિતની સંબંધિત માહિતી આપી હતી.
સિંહ સદન ખાતે યોજાયેલી પ્રોજેક્ટ લાયન અંતર્ગતની પહેલી મિટિંગમાં કે.રમેશ સહિતના વરિષ્ઠ વન અધિકારીશ્રીઓ, ટૂરિઝમ, NHAI, R&B, રેલવે, પીજીવીસીએલ, બાયસેગ, સિવિલ એવિએશન, એગ્રીકલ્ચર, પંચાયત, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઈરિગેશન ડિપાર્ટમેન્ટ, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ સહિતના સંકળાયેલ વિભાગોના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.