પોરબંદરની તમામ એસટી બસોની ફિટનેસની ચકાસણી કરો: કોંગ્રેસ
ટૂંકા અંતરની તો ઠીક પરંતુ લાંબા રૂટની બસો પણ ભંગાર હાલતમાં દોડતી હોવાનું બહાર આવ્યું: કોંગ્રેસ દ્વારા એસટી નિગમના ચેરમેનને થઈ રજૂઆત

તાજેતરમાં પોરબંદર થી વડોદરા જતી એસટી બસમાં તાજેતરમાં જ આગ લાગવાનો બનાવ બન્યો હતો જો કે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને એવી રજૂઆત કરવામાં આવી છે કે પોરબંદર એસટી ડેપો દ્વારા અનેક ભંગાર હાલતમાં ફેરવાયેલી બસો દોડાવવામાં આવે છે તેથી તમામ બસોની ફિટનેસ ની તપાસ થવી જોઈએ.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તાજેતરમાં જ પોરબંદર થી વડોદરા જતી બસ હજુ તો માંડ 20 કિલોમીટર નું અંતર કાપીને આગળ વધે ત્યાં જ તેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને વાયરીંગ રાખ થઈ ગયું હતું મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને ડ્રાઇવર કંડકટર તથા મુસાફરોએ સાથે મળીને આગને બુજાવી હતી ત્યારે આ પ્રકારના બનાવો વધુ બને નહીં તે માટે પોરબંદર એસટી ડેપોની તમામ બસોનું ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ફિટનેસ તપાસવી જોઈએ.
તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરથી આજુબાજુના નજીકના રૂટમાં દોડતી બસો પણ અત્યંત ભંગાર હાલતમાં જોવા મળે છે કોઈ બસના કાચ તૂટેલા હોય છે તો કોઈની સીટો ફાટેલી હોય છે તો કોઈ બસમાં પ્રાથમિક સારવાર ની ની સગવડ પણ હોતી નથી. અમુક બસમાં બોર્ડ નહીં હોવાથી ચોકથી કાચ ઉપર અથવા બસ ઉપર રૂટ ના નામ લખવામાં આવે છે. તો અમુક બસોને ધક્કા મારવામાં આવે ત્યારે જ શરૂ થાય છે ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે અધવચ્ચે એસટી બસ ખોટકાઈને ઉભી રાખી દેવી પડે છે અને બીજી બસ મારફતે મુસાફરોને પહોંચાડવા પડે છે.ત્યારે મારી રાજ્ય સરકારને અપીલ છે કે આ પ્રકારની બસોને લાંબા કે ટૂંકા અંતરના રુટ ઉપર દોડાવવી જોઈએ નહીં કારણ કે તેનાથી મુસાફરોના જીવ ઉપર જોખમ સર્જાયું છે.
પોરબંદર એસટી ડેપો ખાતે તમામ એસટી બસોની ફિટનેસની તપાસ કરવામાં આવે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહેલી અથવા પાંચ વર્ષથી વધુ સમયથી દોડતી તમામ બસો સરકારે પરત લઇ લેવી જોઈએ અને નવી બસની સુવિધા આપવી જોઈએ તેવી મહત્વની રજૂઆત કરી રહ્યો છું તેમ રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું.
