પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે ભાજપ કાર્યકર્તા સાથે બેઠક યોજતા લોકસભા ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા


*
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કેસરિયો ખેસ ધારણ કર્યો
ગાંધીજી નું કોંગ્રેસ મુક્ત ભારત નું સ્વપ્ન ગાંધીજી ની ભૂમિ માં સાકાર થયું હોવાનું જણાવતા પોરબંદર લોકસભા ના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા
પોરબંદરના ચોપાટી પાર્ટીપ્લોટ ખાતે આજરોજ પોરબંદર લોકસભા વિસ્તાર ના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા ની વિશેષ ઉપસ્થિત માં કાર્યકર્તા સાથે બેઠક યોજાઈ હતી તેમજ પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા ના સમર્થકો મોટી સંખ્યા માં ભાજપ નો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે પોરબંદરના પનોતા પુત્ર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એક સ્વપ્ન હતુ કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખવુ જોઇએ પણ જવાહરલાલ નહેરૂ અને અન્ય આગેવાનોએ આવું થવા દીધું ન હતુ. પણ હવે ગાંધીજીનુ આ સ્વપ્ન ભારતમાં ગાંધીભૂમિમાં જ આજે સાકાર થઇ રહ્યુ છે તેમ જણાવીને સેંકડો કોંગ્રેસી કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવીને પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયાએ આવકાર્યા હતા. અને જણાવ્યું કે, આજે પોરબંદર કોંગ્રેસનું સંપૂર્ણપણે વિસર્જન થઇને ભાજપમાં આગેવાનો સહિત કાર્યકરો જોડાયા છે ત્યારે સૌનુ હું સ્વાગત કરુ છું.
પોરબંદરની ચોપાટી પર આવેલા પાર્ટીપ્લોટ ખાતે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ ત્યારે કોંગ્રેસને છોડનાર સેંકડો કાર્યકર્તાઓનો ભાજપમાં વિધિવત પ્રવેશ થયો હતો. ઓશિયાનિકથી વિશાળ સંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકરો અને આગેવાનો શક્તિ પ્રદર્શન સ્વરૂપે ચોપાટીના પાર્ટીપ્લોટ ખાતે આવી પહોચ્યા ત્યારે અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ડૉ.મનસુખ માંડવિયાનુ ઉદબોધન*
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ તેમના
પ્રવચનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે પાકિસ્તાન પણ નરેન્દ્ર મોદીથી થરથર ધ્રુજે છે તેનુ સૌથી મોટુ ઉદાહરણ સર્જીકલ સ્ટ્રાઇક છે. તેમણે જણાવ્યુ હતુ કે આઝાદી – સમયે ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અને – આઝાદી બાદ ૨૦૧૯માં સરદાર વલ્લભભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રયત્નો થયા છે તેનાથી પાકિસ્તાન – સારી રીતે વાકેફ છે. તેઓએ એમ પણ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ હમેશા છેવાડાના માનવીઓની ચિંતા કરી છે અને અલગ-અલગ પ્રકારની યોજનાઓના માધ્યમથી લોકોને દસ વર્ષમાં ભરપૂર લાભ અપાવ્યો છે.
અયોધ્યાના રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે હાજરી આપવાનો કોંગ્રેસે ઇન્કાર કરીને જે પગલુ ભર્યુ હતુ તે શરમજનક છે અને તેથી જ હું અર્જુનભાઈ મોઢવાડીયાને ખાસ અભિનંદન આપુ છુ કે એ સમયે કોંગ્રેસની સાથે હોવા છતા તેમણે તેમના કેન્દ્રના નેતાઓના પગલાનો વિરોધ કર્યો હતો. ડૉ.મનસુખ માંડવિયાએ એમ પણ જણાવ્યુ હતુ કે હું દરિયાઇ ફિશીંગ સહિત લોડીંગ-અનલોડીંગ અને વહાણવટાને સારી રીતે સમજુ છુ અને તેથી જ હજુ હું પોરબંદરને મારે ઘણુ આપવુ છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને આપણે મજબૂત બનાવીએ એ જ આજના સમયની માંગ છે. તેમણે કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા છેવાડાના લોકોને કઈ રીતે લાભ થયો તેની પણ વિસ્તૃત વાતો કરી હતી અને ભાજપ સમુદ્ર જેવો છે જે નદીઓને પોતાનામાં સમાવી લે છે તેજ રીતે આજે જ્યારે પોરબંદર કોંગ્રેસને પોતાનામાં સમાવ્યુ છે ત્યારે હું ચોક્કસ કહીશ કે હવે સૌ પરિવારના સભ્યોની જેમ હળીમળીને ભાજપ અને દેશના વિકાસ માટે પ્રયત્ન કરશે. ૧૫ કરોડ પ્રાથમિક સભ્ય ધરાવતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપને વધુ મજબૂત બનાવવામાં સાથ આપનાર અર્જુનભાઈ મોઢવાડીયા સહિત સૌને ડૉ.મનસુખ માંડવિયાએ આવકાર્યા હતા.
*સાંસદ રમેશ ધડુકનું પ્રવચન*
પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુકે પોતાની આગવી શૈલીમાં જણાવ્યુ હતુકે કદાચ હું પોરબંદરનો પહેલો એવો સાંસદ હોઇશ કે જે વારંવાર અહીં આવતો રહ્યો છું. કોઈના સગાઈ લગ્ન જેવા નાના નાના પ્રસંગોમાં પણ મેં કયારેય હાજરી આપવાની કોઈને ના નથી પાડી. પોરબંદરવાળા મને ઓળખતા ન હતા છતાં પોરબંદર સીટ ઉપરથી મને ૫૩,૦૦૦ મતની લીડ મળી હતી એટલે આ વખતે અર્જુનભાઇ મોઢવાડીયા અને કોંગ્રેસ પણ ભાજપમાં ભળ્યા છેત્યારે સવાલાખ મતથી વધુની લીડ અપાવવી જ પડશે. હું અવારનવાર પોરબંદર આવતો જતો પરંતુ મનસુખભાઇ ચૂંટાયા બાદ કેબિનેટમંત્રી બનીને કેન્દ્રમાં જશે તેથી તેઓ વારંવાર પોરબંદર નહી આવી શકે પણ પોરબંદરને અનેક લાભ અપાવશે એ પાકકુ છે તેમ જણાવીને ડૉ.મનસુખ માંડવિયાને એડવાન્સમાં જીતની શુભેચ્છાઓ આપી હતી. પોરબંદર સાથેની મારી લાગણી હવે એટલી મજબૂત બની ગઇ છે કે હું સાંસદ નહીં હોવ તો પણ પોરબંદર આવતો- જતો રહીશ’
બાબુભાઇ બોખીરીયાનુ પ્રવચન*
પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયાએ તેમના પ્રવચનમાં એવુ જણાવ્યુ હતુ કે ગાંધીજીનું કોંગ્રેસમુકત ભારતનુ સ્વપ્ન આજે પોરબંદરથી સાકાર થઇ રહ્યુ છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે ગાંધીજીનું બીજુ સ્વપ્ન દેશને આર્થિક આઝાદી અપાવવાનુ પણ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વહેલીતકે સાકાર થઇ જશે. છેલ્લા પંચાવન વર્ષમાં કોંગ્રેસ પ્રગતિ કરાવી શકી નહી તેનાથી વધુ પ્રગતિ નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષમાં કરાવી છે. ડૉ.મનસુખ માંડવિયા ફરીથી મંત્રી બનશે અને પોરબંદરનો વિકાસ આસમાનને આંબશે તેમ જણાવીને બાબુભાઈ બોખીરીયાએ પ્રવચનના અંતે એવુ જણાવ્યુ હતુ કે પોરબંદરની બંને વિધાનસભા સીટ પોરબંદર તથા કુતિયાણામાંથી ડૉ.મનસુખ માંડવિયાને રેકર્ડબ્રેક લીડ અપાવીને ફરી કેન્દ્રીયમંત્રી તરીકે મોકલી આપવાની જવાબદારી હવે દરેક પોરબંદરવાસીઓની છે તેમ ઉમેર્યુ હતુ.
અર્જુનભાઈ મોઢવાડીયાનું પ્રવચન*
અર્જુનભાઇ મોઢવાડીયાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર આકરા ચાબખા માર્યા હતા અને જે રીતે ૧૯૪૭માં આઝાદી મેળવવા સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એક થયો તે રીતે હવે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આર્થિક આઝાદી માટે એક થઇ રહ્યો છે તેમ જણાવીને વધુમાં તેઓએ ઉમેર્યુ હતુ કે હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહની ટીકા કરવામાંથી ઉંચો આવતો ન હતો જ્યારે ભાજપમાં આવ્યો ત્યારે સંકુચિતતાથી પર થઈ ગયો છુ અને ૩૭૦ નહીં ૪૦૦થી વધુ સીટ ભાજપને મળશે અને ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ભાજપને પાંચ લાખથી વધુની લીડ મળશે. હું તો એમ પણ કહુ છુ કે પોરબંદર લોકસભાની સીટ પરથી સૌથી વધુ લીડ ડૉ.મનસુખ માંડવિયાને મળશે. તેમણે જણાવ્યુ હતુ કે પોરબંદરમાં પરિવર્તન જરૂરી હતુ અને હવે ખૂબજ સારી રીતે વિકાસ થઇ શકશે. તેવો આશાવાદ પણ અર્જુનભાઇ મોઢવાડીયાએ દર્શાવ્યો હતો.
*સ્વાગત પ્રવચન અને આગેવાનોની હાજરી*
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલે કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે ડૉ.મનસુખ માંડવિયાની કોરોના કાળની આરોગ્યમંત્રી તરીકેની કામગીરીથી દુનિયા વાકેફ છે.
પોરબંદરમાં બાબુભાઇ બોખીરીયા અને અર્જુનભાઇ મોઢવાડીયાનું દૂધમાં સાકર ભળે તેમ મિલન થયુ છે ત્યારે પોરબંદર માટે આ ગૌરવની વાત છે. નરેન્દ્રભાઇના નેતૃત્વને વધુ મજબૂત કરવા ભાજપનો દરેક કાર્યકર સુસજ્જ છે તેમ પણ તેઓએ ઉમેર્યુ હતુ.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર જિલ્લાન ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને પંકજભાઈ મજીઠીયા,ભાજપના પ્રદેશના આગેવાનો પ્રદીપભાઇ ખીમાણી,જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામભાઇ મેપાભાઇ ઓડેદરા, સામતભાઈ ઓડેદરા, અર્જુનભાઇના નાના ભાઇ રામદેવભાઇ મોઢવાડીયા, સંજયભાઈ કારીયા, અતુલભાઈ કારીયા સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનોના હસ્તે કેસરીયા ખેસ ધારણ કર્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ટીમ ભાજપે જહેમત ઉઠાવી હતી. ભાજપના સ્થાનિક અને પ્રદેશના નેતાઓ સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
