પોરબંદર જિલ્લામાં ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી વધુ વેગવંતી બનાવાઇ
જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૮ સુપરવાઇઝરના મોનિટરીંગમાં ૨૧૪ ટીમો ઘરે ઘરે જઈ કરી રહી છે મચ્છરનો નાશ
જાન્યુઆરીથી ૨૧ મે સુધીમાં ૧.૭૪ લાખ ઘરોનો સર્વે કરી પ્રથમ રાઉન્ડ પૂરો કરાયો
ઘરે જઈ સર્વેની કામગીરી દરમિયાન ૩.૩૨ લાખ પાત્રોમાં ચકાસણી કરાતા ૭૧૦ પાત્રોમાં પોરા નજરે પડતા એબેટ નખાઇ
૦૦૦૦૦૦
પોરબંદર, તા. ૨૨ : પોરબંદર જિલ્લામાં ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી વધુ વેગવંતી બનાવાઇ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૮ સુપરવાઇઝરના મોનિટરીંગમાં ૨૧૪ ટીમો ઘરે ઘરે જઈ મચ્છરનો નાશ કરવા સર્વે કરી રહી છે. જાન્યુઆરીથી ૨૧ મે સુધીમાં ૧.૭૪ લાખ ઘરોનો સર્વે કરી પ્રથમ રાઉન્ડ પૂરો કરાયો છે. અને હવે આગામી સમય દરમિયાન ચોમાસુની ઋતુ નજીક આવી રહી છે ત્યારે બીજા રાઉન્ડની સર્વેની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં ઘરે જઈ સર્વેની કામગીરી દરમિયાન ૩.૩૨ લાખ પાત્રોમાં ચકાસણી કરાતા ૭૧૦ પાત્રોમાં પોરા નજરે પડતા એબેટ નખાઇ છે.
પોરબંદર જિલ્લામાં જાન્યુઆરી માસથી લઈને ૨૧ મે સુધીના સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના ૧૩ કેસો નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેન્ગ્યુ નિયંત્રણ અંગેની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. જ્યાં જ્યાં પાણી ત્યાં ત્યાં મચ્છર જ્યાં જ્યાં મચ્છર ત્યાં ડેન્ગ્યુના સૂત્રો સાથેની પત્રિકાઓનું વિતરણ કરી લોકોને સાવચેત રહેવા તેમજ મચ્છરનો ઉપદ્રવ વધતો અટકાવવા જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી કરમટાના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી મહિનાથી ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી થઈ રહી છે. જેમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના ૧૮ સુપરવાઇઝરો અને ૨૧૪ એમપીડબલ્યુ તથા એફએસડબ્લ્યુની ટીમો ઘરે ઘરે જઈ મચ્છરનો વધતો ઉપદ્ર અટકાવવા સર્વેની કામગીરી કરી રહી છે. જેમાં જાન્યુઆરીથી ૨૧ મે સુધીના સમયગાળા દરમિયાન ૧,૭૪,૪૪૧ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે, અને ઘરે ઘરે જઈ ૩,૩૨,૦૫૬ પાત્રોમાં ભરેલ પાણીની ચકાસણી કરવામાં આવી છે. જેમાં ૭૧૦ પાત્રોમાં ભરેલ પાણીમાં પોરા નજરે પડ્યા હોવાથી એબેટ નાખવામાં આવી છે, અને લોકોને મચ્છરની ઉત્પતિ અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ટાંકા ટાંકી માટલા તથા અન્ય પાણી ભરેલ પાત્ર બરાબર ઢાંકીને રાખવા, ફુલડાના કુંડા, કાટમાળ, ડબ્બા, ટાયર વગેરેમાં પાણી ન ભરાય તે રીતે રાખવા તેમજ ખાડા ખાબોચિયાના પાણી વહેતા કરવા અથવા માટી પૂર્ણ કરવું, ઉપરાંત પાણી ભરેલું રહેતું હોય ત્યાં સ્થળે ઓઇલ, કેરોસીન દર અઠવાડિયે નિયમિત નાખવું, કુવા હવાડા ખેત તલાવડી ચેકડેમ તળાવ વગેરે સ્થળોએ પોરા ભક્ષક માછલી નાખવા સહિતની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે થઈ રહેલ સર્વેની કામગીરી દરમિયાન આરોગ્ય શાખાની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પ્રથમ રાઉન્ડમાં સર્વેની કામગીરી પુરી થવાની સાથે જ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે.