પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હીટવેવની આગાહીના પગલે દર્દીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઇ
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં હીટવેવની આગાહીના પગલે દર્દીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઇ
૪૬ પંખા, ૫ જમ્બો કૂલર, ૨ એસી લગાવી હોસ્પિલના પટાંગણમાં દર્દીઓ માટે છાયડાની વ્યવસ્થા કરાઈ
પોરબંદર, તા. ૨૭ : પોરબંદરમાં જીએમઇઆરએસ સંલગ્ન સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કાર્યરત છે. જિલ્લાની મુખ્ય સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સરકારની ગાઈડલાઈન મુજબ હાલ હીટવેવની આગાહી હોવાના કારણે દર્દીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. હીટવેવની આગાહી આપવામાં આવી હોય, હાલ ઉનાળાની ઋતુમાં કાળજાળ તડકા પડી રહ્યા છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દરરોજ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. હીટવેવની આગાહીને પગલે સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હોવાથી અહીં સારવાર લેવા માટે આવતા દર્દીઓ તેમજ તેમના સાથે આવતા સગા સંબંધીઓ વગેરે માટે વિવિધ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાય છે. જેમાં ટેબલ ફેન તથા દિવાલ ફેન ૨૦ લગાવી દેવામાં આવ્યા છે અને હજુ ૬ પંખા લગાવવામાં આવશે. ૫ જમ્બો કુલર, ૨ એસી વગેરેની સુવિધા વધારવામાં આવી છે. કેશ કાઉન્ટર ખાતે જમ્બો એર કુલર તથા દરેક વોર્ડમાં ટેબલ ફેન અને દિવાલ ફેન અને દર્દીઓના હિતને ધ્યાને લઈને ઇમરજન્સી વોર્ડમાં બે એસીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલના પટાંગણમાં છાપરા નાખી છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલનો સ્ટાફ ઉનાળાના આકરા તડકામાં દર્દીઓની વિશેષ તકેદારી રાખી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.