પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં નવનિર્મિત ઋષિકુળ છાત્રાવાસનું ઉદ્ઘાટન થયું
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાંતા.૧૨-૧૦-૨૪,શનિવારે વિજયાદશમીના પાવન દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો માટે નવનિર્મિત ઋષિકુળ છાત્રાવાસનું ઉદ્ઘાટન થયું
વિજયાદશમીના પાવન દિવસે પૂજ્ય ભાઈશ્રી, કેન્દ્રિય મંત્રીશ્રી અને પોરબંદર મત વિસ્તારના સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય શ્રીઅર્જુનભાઈ મોઢવાડિયા, મનોરથી દાદાજી શ્રી બજરંગલાલ તાપડિયાજી અને પરિવાર દ્વારા ઋષિકુળના નવનિર્મિત છાત્રાવાસની તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત છાત્રવાસના દ્વાર વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટિત કર્યા હતા અને સાથે સૌ મહાનુભાવો દ્વારા દીપપ્રજ્જ્વલન પણ કરવામાં આવ્યું. આ અવસરે પોરબંદરના જીલ્લા કલેકટર શ્રીધાનાણી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રીબાબુભાઈ બોખીરીયા, પોરબંદર નગરપાલિકાના અધ્યક્ષા ડૉ.ચેતનાબેન તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
નૂતન છાત્રાવાસના ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ ઋષિકુમારો દ્વારા વૈદિક શાંતિસૂક્તના મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યો અને સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકોએ પુષ્પગુચ્છ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું
અર્જુનભાઈ મોઢવાડિયાનું પ્રાસંગિક ઉદ્બોધન
અર્જુનભાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે સાંદીપનિમાં આજે એક નવું પુષ્પ ઉમેરાયું છે. તેઓએ સાંદીપનિનો ઈતિહાસ કહ્યું કે પૂજ્ય ભાઈશ્રીએ કોઈ ઈશ્વરીય પ્રેરણા અહિયાં લઇ આવી. જેની શરૂઆત પોરબંદરની પાસે જામરાવલના અનુષ્ઠાનથી થઇ પછી એમાં તુલસીભાઈ કડી રૂપ બની પૂજ્ય ભાઈશ્રીને બાબડા સંસ્કૃત પાઠશાળાની મુલાકાતે લઇ ગયા. પછી સંસ્થાના વિકાસ માટે પૂજ્ય ભાઈશ્રી, સાથે હું અને બીજા અનેક વ્યક્તિઓ જોડાયા. ત્યારબાદ આ જગ્યા જોવા અમે આવ્યા અને એ પણ કઈક ઈશ્વરીય પ્રેરણા હશે કે પૂજ્ય ભાઈશ્રીએ સંકલ્પ કર્યો કે આ જગ્યાએ સંસ્થા શરુ કરવી છે. તો જેવી રીતે લોખંડને પારસમણીનો સ્પર્શ થતા સોનું બની જાય તેવી રીતે આ જગ્યા પર જયારે કોઈને આવવું ગમતું ના હતું ત્યાં આજે આ સંસ્થાએ વૈશ્વિક સ્વરૂપ લીધું છે. અને આ વૈશ્વિક સ્વરૂપનું શ્રેય પૂજ્ય ભાઈશ્રીના તપને જાય છે અને પોરબંદરને વિશ્વ સાથે જોડવાનું કામ પૂજ્ય ભાઈશ્રીએ કર્યું છે.
કેન્દ્રિય મંત્રી એવં સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયાનું ઉદ્બોધન
આદરણીય ડૉ. મનસુખભાઈએ પોતાના મનોગત ભાવ વ્યક્ત કરતા કહ્યું કે આજનો પ્રસંગ મારા માટે ખુબ મહત્ત્વનો છે. પોરબંદર મહાત્માગાંધીજીની જન્મભૂમિ હોવાને લીધે હું પોરબંદરથી શ્રદ્ધાથી જોડાયેલો હતો પરંતુ વર્તમાન સમયમાં જનપ્રતિનિધિના રૂપમાં કર્મથી જોડાવાનો અવસર મળ્યો. સાંદીપનિ સંસ્થાનું નામ અને કાર્ય સંભાળીને મને આ સંસ્થા જોવાની ઈચ્છા હતી.પછી મને આજે દશેરાના દિવસે છાત્રાવાસના ઉદ્ઘાટનના અવસરે આવવાનો અવસર મળ્યો. અને જયારે છાત્રાલય અને ગુરુકુળ વાત આવે ત્યારે એનો તાર આપણી સંસ્કૃતિ સાથે જોડાય છે. વર્તમાન સમયમાં પરિસ્થિતિ જે રીતે બદલી રહી છે એ જોતા લાગે છે કે શાશ્વત જીવન શાશ્વત સંતોષ એ ક્યાયથી મળે કે કોઈ આપણને આપી શકે છે તો એ છે આપણો સાંસ્કૃતિક વારસો. ચાણક્યના સીરીયલની વાત કરીને કહ્યું કે એનાથી મને ખુબ પ્રેરણા મળી છે. એ સીરીયલમાં પ્રાચીન સમયની સંસ્કૃતિ, સભ્યતાનો વિકાસ પણ જોઈ શકાય છે. એ પ્રાચીન સમયની ઉત્તમ વ્યવસ્થાઓ હતી એને અપનાવીને આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ રાષ્ટ્રનો વિકાસ કરી શકીએ છીએ. પ્રાચીન સમયમાં સાંદીપનિ જેવા ઋષિના આશ્રમો શિક્ષા-દીક્ષા આપવાનું કામ કરતા હતા. તેમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંને વિદ્યા શીખડાવતા હતા. એટલે કે શાસ્ત્ર જ પોતે સ્વયં શસ્ત્ર છે. એ સાથે એક આદર્શ સમાજનું નિર્માણ થતું હતું. જયારે હું અહિયાં આવ્યો ત્યારે ઋષિકુમારો હાથ જોડી નમીને વૈદિક મંત્ર બોલતા હતા આ સંસ્કૃતિ શીખવે છે કે જયારે આપણે મંત્રો બોલીએ તો હાથ જોડીને નમીને બોલવા જોઈએ એટલે કે જયારે આપને શાસ્ત્રના જ્ઞાતા થઈએ કર સંપત્તિવાન થઈએ આપણે વિન્રમ થઈને જીવન જીવવું જોઈએ. આ બધું શાસ્ત્ર શીખવે છે. ગુરુકુળ, આશ્રમ, શિક્ષા અને છાત્રાવાસ આ બધા એકબીજાના પર્યાય છે. જ્ઞાન ત્યાંથી મળે છે જે દેનાર હોય છે. જ્ઞાન આપનાર કેવો હોવો જોઈએ. દેવાથી-લેવાથી શિક્ષા ફળતી નથી. માત્ર દેવાથી શિક્ષા ફળે છે.તો આપણી જ્ઞાન દેવાની શિક્ષા પદ્ધતિ છે.આ પદ્ધતિ આપણા દેશમાં વિકસિત થઇ છે.ગુરુકુળ પદ્ધતિથી શિક્ષા આપવામાં આવતી હતી. મેં ઘણા દેશોની શિક્ષા પદ્ધતિ જોઈ છે. આપણા દેશની પણ જોઈએ છે પણ ગાંધીજીએ ૧૯૩૯માં આપેલી મૂળ શિક્ષા પદ્ધતિ ઉચિત લાગી છે. ધીરે ધીરે સમાજ પર એ પદ્ધતિ પર આવી રહ્યો છે. સમાજમાં સૌ પૈસા તો કમાય છે. પણ સંપત્તિનું સંયોજન કરનારી સંતતિ જોશે. જે યોગ્ય રીતે શિક્ષિત હોય, આદર્શ નાગરિક હોય અને એ આદર્શ નાગરિક બનાવનારી કોઈ શિક્ષા પદ્ધતિ હોય તો એ બેઝીક એજ્યુકેશન પદ્ધતિ છે. અહિયાં જે સંસ્કૃત પાઠશાળા દ્વારા ઋષિકુમારોને તૈયાર કરવામાં આવે છે એ ભવિષ્યના દેશની સંપત્તિ છે. આ પાઠશાળા અને છાત્રાવાસ મારે માટે નમન કરવાની ભૂમિ છે. આ ભૂમિ પર આવીને હું ખુબ સંતોષ વ્યક્ત કરું છું અને સંસ્કૃતિના પ્રચાર માટે ચાણક્યની જેમ રાષ્ટ્રનિર્માણ માટે દાયીત્વ વહન કરનારા પૂજ્ય ભાઈશ્રીને મારા નમન.
બજરંગલાલ તાપડિયાજીનું સન્માન
સાંદીપનિ ઋષિકુળના નવનિર્મિત છાત્રાવાસના ઉદ્ઘાટન પ્રસંગે નૂતન છાત્રાવાસ ભવનના દાતા, સાંદીપનિના ટ્રસ્ટી આદરણીય શ્રી બજરંગલાલ તાપડિયાજી દાદાજીનું પૂજ્ય ભાઈશ્રી અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા શાલ અને અભિનંદન અર્ઘ્ય વડે ભાવપૂજન કરવામાં આવ્યું. આ અવસરે અભિનંદન અર્ઘ્યનું વાંચન સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક સહદેવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું.
વિજયભાઈ તાપડિયાનો પ્રતિભાવ
આ અવસરે તાપડિયા પરિવારના વિજયભાઈ તાપડિયાએ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યંર કે દાદાજી તરફથી કહું તો અમારા પરિવારને ઘણી-ઘણી સેવાઓ કરવાની તક મળે છે. આ વધુ એક સેવાનો અવસર મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે એના માટે હું પૂજ્ય ભાઈશ્રીનો અભાર વ્યક્ત કરું છું.
પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઈશ્રીએ સૌને સંબોધીને જણાવ્યું હતું કે આજ ઉદ્ઘાટનો કાર્યક્રમની એક વાત એવી હતી કે જ્યારે ઉદ્ઘાટન થઈ જાય ત્યારે આપણે આ કાર્યક્રમ ફંકશનનો કાર્યક્રમ છે તે આપણે સાંદીપનિ સભાગૃહમાં કરીએ પણ મેં કહ્યું નહીં જ્યાં ઉદ્ઘાટન થવાનું છે ત્યાંના પ્રાર્થનાહોલમાં જ સભાગૃહમાં જ આપણે આ ફંકશન કરીશું કારણ કે આ પહેલું ફંકશન આ રીતે અહીંયા થાય. તમે મને એ વાતનો સંતોષ પણ છે અને ગૌરવ પણ છે એ આ છાત્રાવાસના સમર્પક દાદાજી અને તાપડીયા પરિવારની ઉપસ્થિતિમાં આજ છાત્રાવાસના ભવનના પ્રાર્થના હોલમાં સભાગૃહમાં આપણે બધા આ ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ. પોરબંદર કૃષ્ણસખા સુદામાની તપોભૂમિ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ છે અને એનાથી જ સુદામા પૂરી પોરબંદર વિખ્યાત છે. સુદામાજીએ આ નગરને વિશ્વ પુરુષ વિરાટ પુરુષ જેણે વિશ્વ સ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા એમની સાથે જોડ્યું અને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપુરૂષની ઉપાસના કરતા આ નગરને વિશ્વની સાથે જોડ્યું. અર્જુનભાઈ કહેતા હતા એમ ન જાણે ક્યા સંયોગથી ભાઈશ્રીના મનમાં એમ ભાવ થયો કે હું અહીંયા આસન લગાવું. અર્જુનભાઈ અને આ બધા લોકો શરૂઆતથી જોડાયેલા છે અને યાત્રાના સાક્ષી પણ બન્યા છે.. મને લાગે છે કે સુદામા એ તપથી અને ગાંધીજીની એ જ રાષ્ટ્ર ભક્તિએ કંઈક પ્રેરણા કરી હશે નહીં તો હું કથા કરવા આવ્યો હતો અને મને યાદ છે કે મને બીજી જ કથામાં તુલસીભાઈએ પકડી લીધો અને ક્યાંક ને ક્યાંક તુલસીભાઈ હાથીને પણ ઈશ્વરને નિમિત બનાવ્યા.
એ પોરબંદરમાં રહીને શિક્ષાના ક્ષેત્રમાં રહીને કંઈક કરવાનો મનમાં ભાવ જાગ્યો.એનો પ્રારંભ પણ સંસ્કૃત પાઠશાળાથી થયો. સંસ્કૃત માત્ર દેવભાષા જ નથી. સંસ્કૃત ભારતમાં પ્રચલિત અનેક ભાષાઓની જનની પણ છે. આજે આપણે ત્યાં AIના જમાનામાં જીવીએ છીએ અને કોમ્પ્યુટર છે તે સૌથી વધુ કોમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ છે. તેનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે કે એમાં જે બોલવામાં આવે છે એ જ લખવામાં આવે છે. જેટલું એમાં બોલી શકીએ છીએ એ બધું આપણે લખી પણ શકીએ છીએ. જેવું લખવામાં આવે છે એવું જ બોલવામાં આવે છે. તેમાં કોઈ સાઇલેન્ટ વર્લ્ડ નથી. જ્યારે હું અમેરિકામાં પહેલીવાર ગયો ત્યારે મને કોઈએ પૂછ્યું કે તમારી આગળની કથા ક્યાં છે તો મેં કીધું સાંજ જોસે. કોઈએ સામેથી કહ્યું તેને સેન હોજે કહેવાય. તો અંગ્રેજીમાં આવું થાય છે લખવાનું કંઈક હોય અને બોલવાનું બીજું હોય છે. પરંતુ સંસ્કૃતના સાથે કોઈની તાકાત નથી કે કોઈ શબ્દોના ઉચ્ચાર સાથે ખિલવાડ કરે. જરાક પણ ખિલવાડ કરવાનો પ્રયાસ કરે તો એને એક્ઝામમાં ફેલ કરી દે. કા તો સંસ્કૃતના જ્ઞાતાના સ્વરૂપમાં એને નીચું જોવાનું થાય કે આને પૂરું આવડતું નથી સંસ્કૃત ભાષામાં જો એક બિંદી અક્ષરની ઉપર લગાડવામાં આવે તો ઉચ્ચારણમાં આવું જ જોઈએ. તો તેમાં કોઈ સાઇલેન્ટ વોર્ડ નથી એટલો એટલું પરફેક્ટ વ્યાકરણ છે. એટલે જેણે ઉચ્ચાર સુધી શીખવી હોય એને સંસ્કૃત ભાષા શીખવી જોઈએ. વેદમંત્રો ભણનારા અમારા વિદ્યાર્થી, સંસ્કૃતમાં અધ્યયન કરનારા અને વિશેષમાં સંસ્કૃત વ્યાકરણમાં અહીંયાથી માસ્ટર ડિગ્રી કરે છે અને ગુજરાતમાં વ્યાકરણથી જો સંસ્કૃતમાં આચાર્ય કરવું હોય તો આજે સાંદિપનીનું એક નામ છે. કારણ કે આપણે ત્યાં સંસ્કૃત વ્યાકરણના વિદ્વાન અધ્યાપકો અમારા જ પ્રાચ્ય છાત્રો છે. મને એ કહેતા ગૌરવ થાય છે અને સંતોષ પણ થાય છે કે આજે સાંદિપનીના ઋષિકુમારો પુરા વિશ્વમાં છે. જ્યાં વિદેશમાં નવું મંદિર બન્યું અથવા તો બની ગયેલું બરાબર ચાલતું નથી તો એ સાંદિપની પાસે ઋષિકુમારો માંગી રહ્યા છે કે તમે અહીંયા મોકલો અને હું બે બે વર્ષ માટે વિદ્યાર્થીઓને મોકલું છું અને ઘણા દેશોમાં અમારા સાંદિપનીના ઋષિ કુમારો સનાતન ધર્મના પ્રચાર અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટે માટે સેવા આપી રહ્યા છે. તે બધા સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના એમ્બેસેડર છે. પણ મારો ત્યાં આગ્રહ હોય છે કે તમારે એને આદરથી રાખવાનું છે એ તમારા ડોલરની લાલચ માટે નથી આવતો અમારી સનાતન ધર્મમાં લોકોની શ્રદ્ધા બની રહે નિષ્ઠા બની રહે એટલા માટે અમારો ઋષિકુમાર ત્યાં આવે છે. પ્રભુકૃપાથી એ ઋષિકુમારો જ્યાં જ્યાં મંદિરોમાં ગયા છે અને એને કામ કરવાનો સરખો અવસર મળતો રહ્યો છે એવા ઘણા મંદિરોનો સારો વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. જે તે મંદિરોમાં પાંચ વર્ષો પહેલાં કોઈ યુવાનો આવતા ના હતા તે હવે આવવા લાગ્યા છે. સાંદિપની સંસ્થાએ સરકારને પ્રાથમિક શિક્ષણમાં ભાષામાં સંસ્કૃત ભાષા માટે થઈને ઘણા શિક્ષકો આપ્યા છે. હું જ્યારે પણ વિદ્યાર્થીઓ સાથે બેસું છું ત્યારે કહું છું કે તમે જ્યાં પણ જાઓ ત્યાં સાંદિપનીત્વની સુગંધ આવવી જોઈએ. તો તમે શિક્ષકના રૂપમાં હોય એ આચાર્યના રૂપમાં હોય ઘણી જગ્યાએ અમારા ઋષિકુમારો પ્રિન્સિપાલ છે. તો ત્યાં કંઈક વિશેષ નવું કાર્ય થાય જ્યાં સાંદિપનીના સંસ્કાર પ્રતિબીંબીત થાય. એવું કરવું જોઈએ. તો શ્લોક અને વેદના મંત્રો બોલવાથી આપણા જીવનમાં આટલું પરિવર્તન આવે છે કે આપણી મેધા શક્તિ બહુ પ્રબળ બને છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે મેધાશક્તિના કારણે પુરા પુસ્તક કંઠસ્થ કરે છે. આ બધું કહું છું કે કારણ કે આ સંસ્કૃત ભાષાની મોટાઈ છે. સંસ્થા કે વિદ્યાર્થીઓની મોટાઈની વાત નથી કરતો. સંસ્કૃત ભાષાની મોટાઈ છે. તો સંસ્કૃત શીખશો તો મેધાશક્તિ ખુબ પ્રબળ બનશે. તો થોડુ સંસ્કૃત ભણાવો. હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે છોકરાઓ તો એની મેધાશક્તિનો શક્તિનો ખૂબ વિકાસ થશે.
હું તાપડિયા પરિવાર પર ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. બજરંગ લાલ કાપડિયાજી એક ટ્રસ્ટીના રૂપમાં એક દાતા ના રૂપમાં અને સતત સમય આપીને સ્વયં આ સંચાલનમાં લાગ્યા છે તો એમના આ સમર્પણ એ બધા માટે હું ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. બધાના ઋષિઓના આશીર્વાદ અને ઋષિપરંપરાના આશીર્વાદ એના ઉપર વર્ષે. કારણકે આપણા બધાથી તે મોટા છે એટલે આપણે બધા એને પ્રણામ કરીએ છીએ. અને એના સ્વાસ્થ્યની પણ કામના કરીએ છીએ. જેવી રીતે હાર્દિકભાઈ એ કહ્યું કે નામ જ બજરંગ છે તો હનુમાનજી પાસે સુદૃઢ શરીર, હૃદયમાં રામ ભક્તિ અને બુદ્ધિમતામ વરિષ્ઠમ્. તો ગુરુકુલ એને કહેવાય ઋષિકુલ એને કહેવાય જ્યાં ભૌતિક ભાવાત્મક અને બૌદ્ધિક ત્રણેય પિંડોનો જ્યાં સમ્યક્ વિકાસ થવો જોઈએ. તો છોકરાઓ જ્યારે એક રોટલી ખાય ત્યારે અમે ચિંતા થાય હું તમને ભૂખ નથી લાગતી તો શારીરિક વિકાસ પૌષ્ટિક આહાર એ પ્રમાણે વ્યાયામ ખેલ કુદ શરીર મજબૂત થવું જોઈએ. સુદાર્ઢ્યમ એ હનુમાનજીના સ્મરણથી બને. વાક્સ્ફુરત્વં વકતૃત્વ શક્તિ પણ એ હનુમાનજીની કૃપાથી થાય છે. તો બૌદ્ધિક વિકાસ એ પ્રજ્ઞાવાન બને. સાથે-સાથે એના હૃદયનો વિકાસ ભાવનાત્મક પિંડ પણ સ્વસ્થ થવો જોઈએ. એ માત્ર પોતાના સ્વાર્થ માટે ન જીવે તો મજબુત બનો પણ બીજાને મદદ કરી શકો. એટલે મજબૂત બનો. કે હું મારા પરિવાર, મારા સમાજ અપને રાષ્ટ્ર અને માનવતા માટે કાંઈક કરી શકુ આ ભાવથી. એટલે જ્ઞાનાર્થ પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાન છે.. હું દાદાજી અને સંપૂર્ણ તાપડિયા પરિવાર માટે પ્રસન્નતા વ્યક્ત કરુ છુ.
ગોયાણીજીને અત્યારે આપણે યાદ કરી છીએ. કારણ કે એ વ્યક્તિનું કમિટમેન્ટ અને ડેડિકેશન અદ્ભુત છે. એની બધી સેવાનું સ્મરણ કરીને અને એમની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ હોસ્પિટલમાં રહીને પણ દરેક કાર્યોનુ દેખરેખ રાખી રહ્યા હતા. એટલે એ અમારા હનુમાનજી જેવા ગોયાણીજીને યાદ કરીને ભગવાનને પ્રાર્થના કરુ કે એમનું શરીર સુદૃઢ રાખે અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ.
પૂજ્ય ભાઈશ્રી એ અંતમાં સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીને વર્તમાન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરીને સાંદીપનિ, સાપુતારા અને દેવકા વિદ્યાપીઠ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા.
સંસ્કૃત પાઠશાળાના આચાર્ય બીપીનભાઈ જોશીએ સંસ્કૃત કાવ્યાત્મક શૈલીમાં સૌ મહાનુભાવોનો અભાર વ્યક્ત કર્યો હતો.
આ નૂતન છાત્રાવાસના ઉદ્ધાટન પ્રસંગે મંચસ્થ મહાનુભાવો સિવાય તાપડિયા પરિવારના તમામ સભ્યો, સાંદીપનિ પરિવારના ભાવિકો, પોરબંદર શહેરના વરિષ્ઠ લોકો, અનુષ્ઠાનમાં આવેલા દેશ-વિદેશના મહેમાનો, ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.