પોરબંદર માછીમાર બંદર ખાતે માછીમારી માટે મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં

પોરબંદર જિલ્લાના માછીમારો માટે અત્યંત મહત્વના એવા પોરબંદર માછીમાર બંદર ખાતે માછીમારી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. બંદરના મહદીગેટથી લક્કડી બંદર જવા માટેનો આ મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે તૂટી ગયો હોવાથી વાહનચાલકો તથા માછીમારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગ પરથી દરરોજ સુમારે ચારથી પાંચ હજાર જેટલા વાહનોની અવરજવર થાય છે. રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે. ખાસ કરીને માછીમારોને માછીમારી સાધનો, બરફ, માછલી તથા અન્ય સામગ્રી લઈ જવા સમયે ભારે મુશ્કેલી પડે છે. વરસાદી ઋતુ દરમિયાન માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
આ માર્ગની ખરાબ હાલતના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તથા માછીમાર સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી, જે બાબત ગંભીર ચિંતા જગાવે છે.
આથી પોરબંદર માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ વિશાલ મઢવી દ્વારા ગુજરાત સરકાર તથા માછીમારી વિભાગને વિનંતી કરવામાં આવે છે કે પોરબંદર માછીમાર બંદરના મઢીગેટથી લક્કડી બંદર સુધીના મુખ્ય માર્ગનું તાત્કાલિક ધોરણે સિમેન્ટ-કોંક્રિટથી મજબૂત નિર્માણ કરી માછીમારો તથા જનતાને થતી હાલાકી દૂર કરવામાં આવે.
