પોરબંદરના બરડા પંથકમાં આકાશી વીજળીને કારણે બબ્બે મૃત્યુ નીપજતા વળતર ચૂકવવા માંગણી


*હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આકાશી વીજળી થી બચવા માટેના ઉપાયો અંગે લોકોને અપાઈ સમજ: મીની વાવાઝોડાને કારણે અનેક વાયરો અને વીજપોલ જમીન દોસ્ત થઈ ગયા હોવાથી તાત્કાલિક સમારકામની થઈ રજૂઆત*
પોરબંદરના શિશલી ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા ખેડૂત યુવાનનું મોત નીપજ્યું છે ત્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાતા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન દોડી ગયા હતા અને લોકોને પણ આકાશી વીજળી થી બચવા માટે અપીલ થઈ છે, તો બીજી બાજુ સોઢાણા ગામે વાડી વિસ્તારમાં પણ વીજળી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું છે, તો બીજી બાજુ મીની વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવનને કારણે અને વરસાદને લીધે ગ્રામ્ય પંથકમાં વીજપોલ અને વીજવાયર જમીનદોસ્ત થઈ ગયા હોવાથી તાત્કાલિક સમારકામની માંગણી પણ કરવામાં આવી છે.
વડાળા ગામના બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો 30 વર્ષનો યુવાન શિશલી ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા અને અચાનક વીજળી પડતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને નરેશભાઈ થાનકી સહિત આગેવાનો દોડી ગયા હતા અને પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી થઇ હતી તેઓએ જણાવ્યું હતું કે સરકારે વીજળીના બનાવમાં મૃત્યુ પામેલ યુવાનના પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ. સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઇ કારાવદરા નામના 60 વર્ષના વૃદ્ધ અને તેમના પુત્ર મુકેશ વાડી વિસ્તારમાં હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો તેથી ઢાળિયામાં બેઠા હતા અને વરસાદ ઓછો થતાં પિતા પુત્ર બહાર નીકળ્યા ત્યારે અચાનક જ વીજળી પડતા જીવાભાઇ કારાવદરા ને ગંભીર ઇજા થતા તેના પુત્ર મુકેશભાઈ તેને સારવાર માટે તાત્કાલિક અડવાણા ની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર સોલંકી તપાસ કરી હતી અને જીવાભાઇ કારાવદરા નું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં પણ રામદેવભાઈ મોઢવાડિયા તથા નટવર નગરના યુવા આગેવાન કાળુભાઈ ગોઢાણીયા વગેરે દોડી ગયા હતા.
વળતરની થઈ માગણી
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે વીજળીને કારણે પોરબંદર જિલ્લામાં એક જ દિવસમાં બબ્બે લોકોના ભોગ લેવાયા છે ત્યારે વહેલી તકે સરકારે તેઓના પરિવારજનોને વળતર ચૂકવી આપવું જોઈએ તે ઇચ્છનીય છે.
વાયરોનું તાત્કાલિક સમારકામ કરો
પોરબંદરના બરોડા પંથકમાં મીની વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું થયું હતું અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો જેમાં અડવાના સોઢાણા સિસલી ફટાણા ખાંભોદર સહિતના વિસ્તારોમાં અને બદલા પંથકના ગામડાઓમાં પવનને કારણે અનેક જગ્યાએ વીજ વાયરો ધરાશાહી થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો પણ જમીનદોસ્ત બની ગયા છે બગવદર નજીક પુલની રેલિંગને પણ નુકસાન થયું છે. હજુ તો ઉનાળો પૂર્ણ થયો નથી ત્યાં પોરબંદરના બરડા પંથકમાં અચાનક વરસેલા વરસાદને કારણે અને તોફાની પવનને કારણે મોટું નુકસાન થયું છે ત્યારે વીજ તંત્ર એ વહેલી તકે તેનું સમારકામ કરી આપવું જોઈએ તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા એ કરી છે.
લોકોને વીજળી થી બચવા થયા સૂચન
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે દર વર્ષે પોરબંદર જિલ્લામાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનતા હોય છે.તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવા કે, જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું, આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છેજેથી તેનો આશરો લેવાનું ટાળો,આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહારધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ. તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં. આકાશીય વીજળીનો ઝટકો લાગે તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્નીંગ રાખો. હાલની ઋતુમાં લોકો આ જાગૃતિના પગલાં લઇ જીવન સુરક્ષિત બનાવી શકે છે તેવું માર્ગદર્શન આપ્યું હતું.
