રાષ્ટ્રવાદના અવિરત પ્રણેતા ડૉ. હેડગેવારજીની કાલે જન્મ જયંતિ

ભારતના રાષ્ટ્રીય જીવનમાં કેટલાક એવા મહાન વ્યક્તિત્વો થયા છે જેમણે પોતાના વિચારો અને કાર્યથી સમાજમાં નવી ચેતના જગાવી છે. એવા જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ હતા ડૉ. કેશવ બાલીરામ હેડગેવાર. તેમની જન્મ જયંતિ માત્ર એક ઐતિહાસિક તારીખ નથી, પરંતુ રાષ્ટ્રવાદના સિદ્ધાંતો માટે પ્રેરણા નો સ્ત્રોત છે.
ડૉ. હેડગેવારજીનો જન્મ ૧૯ માર્ચ, ૧૮૮૯ (ચૈત્ર સુદ પ્રતિપદા)ના રોજ નાગપુર શહેરમાં થયો હતો. તેમના પિતા બાલીરામ પંત હેડગેવાર અને માતા રેવતીબાઈ હતા. માત્ર 13 વર્ષની ઉંમરે બંને વાલીઓ પ્લેગના મહામારીમાં મૃત્યુ પામ્યા, પરંતુ તેમના તેમની જવાબદારી સંભાળી હતી. ડૉ. હેડગેવારજી હાઈસ્કૂલના શિક્ષણ બાદ 1910 માં કોલકાતામાં મેડિકલ કોલેજના અભ્યાસ માટે ગયા. 1916 માં તેમણે એલ.એમ.એસ. ની પરીક્ષા પાસ કરી અને 1917 માં નાગપુર પરત આવીને એક લાયક ડૉક્ટર તરીકે કાર્યરત થયા. ડૉ. હેડગેવાર ને “ડોક્ટરજી” તરીકે સંબોધવામાં આવે છે. તેમના જીવન અને કાર્ય એ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ પુનરુત્થાન માટે એક પ્રેરણા સ્ત્રોત છે.

બાળપણથી જ ડૉ. હેડગેવારજીના સ્વભાવમાં દેશપ્રેમ અને સ્વાભિમાનની ભાવના સ્પષ્ટ દેખાતી હતી. તે સમય દરમિયાન ભારત પર અંગ્રેજ શાસન હતું અને સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળ તેજ બની રહી હતી. યુવાનીમાં જ ડૉ. હેડગેવાર સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયા અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધ્યા. કોલકાતાના અભ્યાસ દરમિયાન ડૉ. હેડગેવાર એ અનુશીલન સમિતિના સભ્ય તરીકે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ બેંકિમચંદ્ર ચેટર્જીના લખાણો, વી.ડી. સાવરકરના “એસેન્શિયલ્સ ઓફ હિન્દુત્વ”, સામર્થ રામદાસના “દાસબોધ” અને લોકમાન્ય ટિળકના “ગીત રહસ્ય” થી ઊંડાણપૂર્વક પ્રભાવિત હતા.
ડૉ. હેડગેવારજીએ પોતાના અભ્યાસ દરમિયાન પણ રાષ્ટ્રવાદી વિચારોને મહત્વ આપ્યું. તેઓ માનતા હતા કે માત્ર રાજકીય સ્વાતંત્ર્ય પૂરતું નથી, પરંતુ સમાજમાં એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતના હોવી ખૂબ જરૂરી છે. આ વિચાર સાથે તેમણે સમાજને સંગઠિત કરવાની જરૂરિયાત અનુભવી. આ વિચારના આધારે વર્ષ ૧૯૨૫માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. સંઘની સ્થાપનાનો મુખ્ય હેતુ સમાજમાં રાષ્ટ્રીયતા, શિસ્ત, સેવાભાવ અને સંસ્કારનો વિકાસ કરવો હતો.
સંઘની શાખા પદ્ધતિ દ્વારા યુવાઓમાં શારીરિક શક્તિ, માનસિક દૃઢતા અને રાષ્ટ્રીય વિચારધારા વિકસાવવામાં આવી. શાખા માત્ર વ્યાયામ કે રમતગમત માટેનું સ્થાન નહોતું, પરંતુ શાખા એક એવી શાળા બની જ્યાં દેશપ્રેમ, અનુશાસન અને સામાજિક જવાબદારીના મૂલ્યો શીખવવામાં આવે છે. આર એસ એસ ની સ્થાપના સમયે ડૉ. હેડગેવારજીએ જણાવ્યું હતું કે આ સંસ્થા રાજનીતિમાં નહીં, પરંતુ રાષ્ટ્રની સેવા માં સમર્પિત રહેશે. તેઓ ઈચ્છતા હતા કે સમાજના દરેક વર્ગના યુવાનો દેશ સેવા માટે જાગૃત અને પ્રતિબદ્ધ બને.
ડૉ. હેડગેવારજીનું જીવન ખૂબ સાદું અને સંયમી હતું. તેમણે પોતાની વ્યક્તિગત સુખસુવિધાઓને ત્યજીને સમગ્ર જીવન રાષ્ટ્રકાર્ય માટે સમર્પિત કર્યું. તેમની પ્રેરણાથી હજારો યુવાનો સંઘ સાથે જોડાયા અને સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય શરૂ કર્યું.
તેમણે સમાજને એકતા અને સંગઠનની શક્તિ સમજાવી. તેમના મતે મજબૂત સમાજ જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. વર્ષ ૧૯૪૦માં ડૉ. હેડગેવારજીનું અવસાન થયું, પરંતુ તેમના વિચારો અને કાર્ય આજે પણ લાખો સ્વયંસેવકોને પ્રેરણા આપે છે. સંઘના સ્વયંસેવકો શિક્ષણ, સેવા, ગ્રામ વિકાસ, આપત્તિ રાહત અને સમાજકલ્યાણના અનેક ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે.સંકલન
વિશ્વ સંવાદ કેન્દ્ર
સૌરાષ્ટ્ર પ્રાંત
