૨ એપ્રિલ – વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ
આલેખન કેતન સારેસા

લોકોએ બાળકના ડિસઓર્ડરને સમજી, સ્વીકારી તેને પૂરતો પ્રેમ અને હૂંફ આપવી જોઈએ : પ્રયાસ સંસ્થાના પૂજાબેન
વિશ્વભરમાં દર વર્ષે બીજી એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવણીનો હેતુ લોકોને આ ડિસઓર્ડર વિશે જાગૃત કરી પીડિત વ્યક્તિના જીવનને સુધારવામાં મદદ કરવાનો છે. ઓટિઝમ એક ડિસઓર્ડર હોવાથી પીડિતને સૌથી વધુ સપોર્ટ અને કાળજીની જરૂર હોય છે. તેના લક્ષણો મોટાભાગે બાળકોમાં જોવા મળતા હોવાથી આ લક્ષણો વાલી સમજે તે ખૂબ જરૂરી છે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડો. દિવ્યમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ઓટિઝમમાં બાળકો મળતાવડા હોતા નથી, તેઓ એકની એક પ્રવૃત્તિ વારંવાર કરે છે અને વધારે ચંચળ હોય છે. ઓટિઝમના લક્ષણો ધરાવતા ૩૦ થી ૪૦ ટકા બાળકોની બુદ્ધિ ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે. આવા બાળકોને માઈન્ડ ગેમ તેમજ કેટલીક દવા દ્વારા નોર્મલ કરી શકાય છે, જેને વર્તન થેરાપી કહેવાય છે.
રાજકોટમાં ઓટિઝમ લક્ષણો ધરાવતા બાળકોની સંભાળ માટે અનેક સામાજિક સંસ્થાઓ પણ કાર્યરત છે. જેમાં એકરંગ સંસ્થા, પ્રયાસ પેરેન્સ એસો. ફોર ચિલ્ડ્રન વિથ સ્પે. નિડસ, મિશનરી ઓફ ચેરીટી મધર ટેરેસા આશ્રમ, સ્નેહ નિર્ઝર સંસ્થા સહિતની સંસ્થાઓ કાર્યરત છે.
આ અંગે પ્રયાસ સંસ્થાના શ્રી પૂજાબેન જણાવે છે કે, બાળકમાં ઓટિઝમના લક્ષણોને વહેલી તકે ઓળખીયે તો તેને સમયસર અને યોગ્ય સારવાર આપી શકાય છે. લોકોએ બાળકના ડિસઓર્ડરને સમજી, સ્વીકારી તેને પૂરતો પ્રેમ અને હૂંફ આપવી જોઈએ.
ઓટિઝમ થવા પાછળ કારણ
ઓટિઝમ થવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી, પરંતુ વિજ્ઞાનીઓ અને ડોક્ટરોના મતે તે જન્મજાત હોય છે. તે કોઈ ચેપી રોગ નથી કે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય. જો પરિવારમાં કોઈને ઓટિઝમ હોય, તો આવનાર બાળકમાં તેની શક્યતા વધી જાય છે. સંશોધનો મુજબ ચોક્કસ જનીનમાં ફેરફાર મગજના વિકાસને અસર કરે છે.
આ ઉપરાંત માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે અમુક પરિસ્થિતિઓ બાળકના મગજ પર અસર કરી શકે છે: ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર ચેપ, અમુક પ્રકારની દવાઓનું સેવન, માતા કે પિતાની વધુ પડતી ઉંમર, સમય કરતા વહેલો જન્મ, અથવા જન્મ સમયે બાળકનું વજન ખૂબ ઓછું હોવું પણ જવાબદાર હોય શકે.
ઓટિઝમ ધરાવતા બાળકોના મગજના અમુક ભાગો સામાન્ય બાળકો કરતા અલગ રીતે જોડાયેલા હોય છે. ખાસ કરીને જે ભાગો વાતચીત અને સામાજિક વર્તણૂક માટે જવાબદાર હોય તેમાં તફાવત જોવા મળે છે.
ઓટિઝમથી પીડિત બાળકને વિશેષ સાર-સાંભળ અને હૂંફની જરૂર છે.
