પોરબંદર ની ગુરુકુળ મહિલા કોલેજમાં થયું લગ્નગીત સ્પર્ધાનું આયોજન
રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા કોલેજમાં ગીત-સંગીત-નૃત્યધારા અંતર્ગત લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કોલેજના પ્રિન્સીપાલ ડૉ.અનુપમ નાગરસર અને વાઈસ પ્રિન્સીપાલ તથા ગીત-સંગીત-નૃત્યધારાના અધ્યક્ષા પ્રો.રોહીણીબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સ્પર્ધામાં કુલ ૩૫ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ૩ ગ્રુપ અને બાકીના વ્યક્તિગત સ્પર્ધક હતા. વિદ્યાર્થીનીઓએ ભાતિગળ,મધુર અને માંગલ્ય લગ્નગીતોની ખુબ સુંદર રજૂઆત કરી હતી. જેમાં ગણેશ સ્થાપન, કંકોત્રી, માંડવો, મામેરા, ફટાણા વગેરે પ્રસ્તુત કર્યા આમ, ગણપતિજી થી લઈને વિદાયની તમામ વિધિના ગીતો રજુ કર્યા હતા. આમ, આ રીતે વિદ્યાર્થીનીઓએ ખુબ જ રસપૂર્વક ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પહેલાના સમયમાં દીકરા કે દીકરીના પ્રસંગની શરૂઆતથી જ લગ્નગીતો ઘરે ગવાતા હતા. પરંતુ અત્યારે આધુનિક સમયમાં આ પ્રથા વિસરતી જાય છે તેથી પ્રથાને જીવિત રાખવા માટે ગીત- સંગીત – નૃત્ય ધારા દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને સફળ પણ રહ્યો.
સ્પર્ધાના વિજેતા તરીકે પ્રથમ સ્થાન પર થાનકી પૂજા (એસ.વાય.બી.કોમ.સેમ.૪ ગુજરાતી માધ્યમ) દ્વિતીય સ્થાન પર મજીઠીયા દેવ્યાંગી એન્ડ ગ્રુપ (હરીવ્યાસ મનીષા, ગોજીયા ક્રિષ્ના, ઘોસીયા કીર્નેશા એસ.વાય,બી.કોમ. સેમ.૪ અંગ્રેજી માધ્યમ) તથા તૃતીય સ્થાન પર વાજા નિષ્ઠા (બી.એ.સેમ.૬ મુખ્ય વિષય અંગ્રેજી) રહ્યા હતા.
આ સ્પર્ધામાં પ્રો.ડૉ.કેતકીબેન પંડ્યા, પ્રો.ડૉ.નયનભાઈ ટાંક, પ્રો. રાજેન્દ્રભાઈ ચૌધરી, પ્રો.રાજુભાઈ મોઢવાડિયા,પ્રો.શુભમભાઈ સામાણી,પ્રો.અર્ચનાબેન,પ્રો.રૂપલબેન ભરખડા અને ૧૩૦ વિદ્યાર્થીની બહેનો સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા તથા ઉત્સાહમાં વધારો કરવા ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો તરીકેની પ્રો.ડૉ.શાંતીબેન મોઢવાડિયા તથા પ્રો. શોભનાબેન વાળા રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રો.અમીબેન પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું.