ગુરુકુળ મહિલા કોલેજનુંસત નિર્વાણ ફાઉન્ડેશન,
સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર, ઘોઘાવદર સાથે જોડાણ
ગુજરાતમાં શિક્ષણજયોત જલાવી જ્ઞાનરૂપી અજવાળું પાથરતી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત કોલેજના આચાર્યશ્રી ડૉ. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.શર્મિષ્ઠા પટેલ અને સત નિર્વાણ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ડૉ.નિરંજન રાજ્યગુરુએ હસ્તાક્ષર કરી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગનું સત નિર્વાણ ફાઉન્ડેશન, સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર, ઘોઘાવદર સાથે જોડાણ કર્યું.
રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ એટલે કે નેક સંસ્થા રાષ્ટ્રના ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓમાં મૂલ્ય પ્રણાલી કેળવી, તેઓમાં રહેલી વૈશ્વિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપી અને રાષ્ટ્રના વિકાસમાં મદદ કરતી સંસ્થા છે. જેમાં દરેક કોલેજોએ પ્રતિભાગી થવું આવશ્યક છે. તો તે અંતર્ગત નેકના ત્રીજા ક્રાઇટએરિયા એટલે કે રિસર્ચ, ઇનોવેશન અને એક્સટેન્શન હેઠળ કોલેજો દ્વારા અવનવી સંસ્થાઓ સાથે મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થકી જોડાણ કરી નવાં નવાં કાર્યક્રમો અને એકસપોઝર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થાય છે. આ સંદર્ભમાં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે પણ ઘણી વિખ્યાત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરેલા છે ત્યારે, તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ સંસ્થા સત નિર્વાણ ફાઉન્ડેશન, સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર, ઘોઘાવદર કે જે, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ડૉ.નિરંજન રાજ્યગુરુ દ્વારા સંચાલિત અને નિર્મિત છે. ત્યાં ૨૦૦૦૦થી વધારે દુર્લભ પુસ્તકોને ડૉ.નિરંજન રાજ્યગુરુએ સાચવ્યા અને જાળવ્યાં છે. અહી સંશોધન ઈચ્છુક માટે સુંદર વાતાવરણ છે. અને અહીની ગૌશાળા સેવાકીય જીવનનો સંદેશ આપે છે. વળી, સંસારી પણ અલગારી અને જ્ઞાન તેજોમય વ્યક્તિત્વ ધરાવનાર ડૉ.નિરંજનભાઈ રાજ્યગુરુ સ્વયં એક પાઠશાળા છે. આવી સમૃદ્ધ સંસ્થા સાથે કોલેજનું જોડાણ થવું એ આર્યકન્યા ગુરુકુળ માટે ગૌરવપ્રદ ઘટના છે. આ કરારનો હેતુ સ્ટુડન્ટ એક્સચેન્જ, ફેકલ્ટી એક્સચેન્જ, અવનવા સેમિનાર, વર્કશોપ, એક્સપર્ટ લેક્ચર્સ જેવા પ્રોગ્રામ્સ થકી બન્ને સંસ્થાઓને લાભ મળે, તેનો વિકાસ થાય અને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળે તેવો છે. આ સાથે ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમ નાગર સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.શર્મિષ્ઠા પટેલ અને વિભાગના વિઝીટીંગ લેકચરર ધવલભાઈ રાજ્યગુરુ અને દિપ્તીબેન સૂચક તેમજ સત નિર્વાણ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ડૉ.નિરંજન રાજ્યગુરુએ વિદ્યાર્થીનીઓની પ્રગતિ થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છાઓ પાઠવેલી.