સમાજને કોરોનાના સંક્રમણમાંથી મુક્ત બનાવવા
સરકાર સાથે સમાજ – શ્રેષ્ઠીજનો સહભાગી બને: રૂપાણી
ટેસ્ટિંગની કામગીરીને ઝુંબેશના રૂપમાં ઉપાડી ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ બનાવી તેમાં ૧૦૦ ટકા ટેસ્ટિંગની કામગીરી સાથે માસ ટેસ્ટિંગનું કાર્ય અગ્રતાના ધોરણે હાથ ધરીએ
“મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ” એ ધ્યેયમંત્ર સાથે
જનપ્રતિનિધિઓ પણ આગળ આવી ટેસ્ટિંગના કાર્યમાં સહયોગી બને
રાજકોટ જિલ્લામાંની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી
રાજકોટ તા. ૯ એપ્રિલ – રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા અને લોકોને કોરોનાના સંક્રમણમાંથી બહાર લાવવા સરકાર કટિબધ્ધતા સાથે કાર્ય કરી રહી છે, તેમાં સમાજ – શ્રેષ્ઠીજનોએ પણ સહભાગી બનવું પડશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારી – પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કોરોના વાયરસના સંક્રમણમાંથી સમાજને મુક્ત કરવા ઈશ્વરે આજે સેવા કરવાનો મોકો આપ્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક સમાજ – શ્રેષ્ઠીજનને શ્રમદાન, સમયદાન અને નાણાંના દાન થકી આ સેવાયજ્ઞના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી. સાથો-સાથ તેમણે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સમાજ વાડી, કોમ્યુનિટી હોલ વગેરેનો ઉપયોગ કોરોના સંક્રમિત એસીમ્પ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે કરવા સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની બીજી લહેરમાંથી લોકોને બહાર કાઢવા માટે ટેસ્ટિંગની કામગીરીને ઝુંબેશના રૂપમાં ઉપાડી ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને આ વિસ્તારોમાં ૧૦૦ ટકા ટેસ્ટિંગની કામગીરી સાથે માસ ટેસ્ટિંગનું કાર્ય અગ્રતાના ધોરણે હાથ ધરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લા પ્રશાસનના આ કાર્યમાં અધિકારીઓની સાથે પદાધિકારીઓને પણ સહભાગી બનવા અનુરોધ કરતા જણાવ્યું હતુ કે “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” એ ધ્યેયમંત્ર સાથે જનપ્રતિનિધિઓ પણ આગળ આવી ટેસ્ટિંગના કાર્યમાં સહયોગી બને તે જરૂરી છે.
પાના નં ૨
કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા પાના નં ૨
કોરોના સામેની લડત માટે છ માસ પહેલા આપણી પાસે રસીકરણ કે અન્ય કોઈ સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતા, તેમ છતાં પણ આપણે તે સમયે કોરોના સામે મક્કમભેર લડત આપી હતી. જ્યારે આજે આપણી પાસે રસીકરણ જેવું અમોઘ શસ્ત્ર ઉપલબ્ધ બન્યું છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ માસ ટેસ્ટિંગની સાથે રસીકરણનું કાર્ય પણ ઝડપભેર થાય તે માટે જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કોરોના ટેસ્ટિંગના કાર્યમાં માર્કેટીંગ યાર્ડોને પણ સહભાગી બનાવી, માર્કેટીંગ યાર્ડમાં આવતા ખેડૂતો – લોકોના કોરોના ટેસ્ટ થાય અને ત્યાં આવતી એક પણ વ્યક્તિ સંક્રમિત ન બને, તે બાબતની કાળજી લેવા તેમજ આ કાર્યમાં એ.પી.એમ.સી. પણ સહભાગી બને તે જોવા જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. કલેકટરશ્રી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. અને ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૪ની સેવા આપતા ૨૨ વાહનો, ૬૩ ધન્વન્તરિ રથ, ૩૬ સંજીવની રથ(જે ટૂંક સમયમાં જ વધારીને ૫૬ કરાશે) અને ૩૬ ટેસ્ટીંગ વાન કાર્યરત છે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવા વધુ લોકોની અવર-જવરવાળા વિસ્તારોમાં સતત ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. અને વધુને વધુ લોકોને ટ્રેસ કરી ટ્રીટમેન્ટ અપાઇ રહી છે. મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિએ કોરોના સંક્રમણને ખાળવા માટે તેમના બહુમૂલ્ય સૂચનો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં મેયરશ્રી પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ , ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખ ભંડેરી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી તથા શ્રી ગોવિંદભાઇ પટેલ, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરશ્રી સ્તુતિ ચારણ, એડીશ્નલ કલેકટરશ્રી મેહુલ દવે, અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજ, તથા શ્રી કમલેશ મીરાણી અને શ્રી મનસુખભાઇ ખાચરીયા, નોડલ ઓફિસર ડોક્ટર રાહુલ ગુપ્તા, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર પંકજ બુચ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.