માધવપુર ઘેડ ખાતે અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
*
ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને હવે દૂર દૂર સુધી આરોગ્ય સેવાઓ માટે જવું નહિ પડે: સાંસદ રમેશભાઈ ધડુક
*
અંદાજિત રૂ.૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતાવાળી ક્ષમતા વાળા આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસિસ, ઓપડી, ફિઝિયોથેરાપી જેવી અનેકવિધ સુવિધાઓ મળશે લાભ
પોરબંદર.તા.૦૪, પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૦૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતા વાળુ અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ તકે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગ દર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની ચીવટ પૂર્વક કાળજી લઈ રહી છે. જેને પગલે માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તરોના લોકોને પહેલા સારવાર માટે પોરબંદર તેમજ જૂનાગઢ સુધી જવું પડતું હતું. પરંતુ હવે સારવારની સુવિધાઓ હવે માધવપુરમાં મળી રહેશે.
વધુમાં કહ્યું કે આજરોજ માધવપુર તેમજ આજુબાજુના ગામના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ભેટ મળી છે જેનો નાગરિકોને ખૂબ લાભ થવાનો છે. તેમજ બિલ્ડીંગમાં સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી આપણા સૌ લોકોની છે. અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારી વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે આજરોજ માધવપુર ખાતે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરતા માધવપુરના આજુબાજુના ૨૦ કરતા વધારે ગામના લોકોની આરોગ્ય સેવા સારવાર માટેની મુશ્કેલીઓનો અંત આવશે. તેમજ પહેલા લોકોએ સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું. અહીંયા ડાયાલિસિસ જેવી ગંભીર બીમારીઓ માટે દૂર દૂર સુધી જવું પડતું જે હવે ભૂતકાળ બની જશે. જેને કારણે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.
આ તકે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ જણાવ્યું હતું કે, માધવરાયની પાવન ભૂમિ પર માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગની ભેટ મળી છે જે અહીંયાના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારનો સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થઈ શકવાને કારણે નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવશે.
ઉલ્લેખનીય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી સેવાઓ, દાખલની સુવિધા, પ્રસુતિની સુવિધા, ઓપરેશન થિયેટર, ૨૪*૭ ઈમરજન્સી સુવિધા, ડાયાલીસિસની સુવિધા, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, લેબોરેટરી, એનસીડી વિભાગ , પોસ્ટમોર્ટમ, સગર્ભા સ્ત્રીઓની તપાસ, નિદાન અને સારવાર તેમજ આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ કાઢવાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ તકે સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટાએ તેમજ આભારવિધિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માધવપુરના અધિક્ષક ડો. કામિલ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા અગ્રની રમેશભાઈ ઓડેદરા,જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસયઓ, સરપંચઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.