રેડક્રોસ, PGVCL અને JCI દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
કાળઝાળ ગરમીમાં રક્તદાતાઓએ માનવતા મહેકાવી

ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મદદરૂપ થવા પોરબંદર રેડક્રોસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા પીજીવીસીએલ વર્તુળ કચેરી પોરબંદરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કાળઝાળ ગરમીમાં માનવતા મહેકાવી હતી.

■ વીજ કંપનીના કર્મચારીઓએ ભર ઉનાળે રક્તની જોળી છલકાવી:
અત્યારે ભયંકર ઉનાળામાં લોકોને વિના વિક્ષેપે સતત વીજપુરવઠો મળી રહે તે માટે વીજ કર્મચારીઓ કાળઝાળ ગરમીમાં પણ ખડે પગે ફરજ બજાવતાની સાથે માનવતાની ફરજ પણ તેઓ ચુક્યા નથી. રેડક્રોસ અને જેસીઆઈ આયોજિત રક્તદાન કેમ્પમાં પીજીવીસીએલ વર્તુળ કચેરી પોરબંદરના કર્મચારીઓએ માનવતાની ફરજના ભાગરૂપે મોટી સંખ્યામાં રક્તદાન કરી રક્તની જોળી છલકાવી દીધી હતી.

■ રક્તદાન માટે રેડક્રોસની અપીલ:
સામાન્ય રીતે એપ્રિલ, મે અને જૂન મહિનામાં બ્લડની ખૂબ તંગી સર્જાતી હોય છે. આ સમયમાં બ્લડની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે અને ગરમીના કારણે આ સમયમાં રક્તદાન કેમ્પ ઓછા થતા હોવાથી દર્દીઓ લોહીના વાંકે હેરાન પરેશાન થતા હોય છે. આથી પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયાએ જાહેર અપિલ કરતાં જણાવ્યું હતું “દર્દી દેવો ભવ:” અને “રક્તદાન મહા દાન” સૂત્રને સાર્થક કરવા દરેક સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજો અને અન્ય આયોજકોએ પણ અત્યારના સમયમાં રક્તદાન કેમ્પના આયોજન કરી કોઈ અજાણ્યા માનવની જિંદગી બચાવવા આગળ આવવું જોઈએ. કોઈપણ આયોજકો રક્તદાન કેમ્પનું આયોજન કરવા ઇચ્છતા હોય તો પોરબંદર રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કરશે તો આયોજનમાં મદદરૂપ થવાની રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયાએ ખાત્રી આપી હતી.
આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર જે.એમ.કષ્ટા, કાર્યપાલક ઈજનેર એ.જે.દવે અને પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયાએ રક્તદાન કરી કેમ્પની શરૂઆત કરાવી હતી.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા નાગાજણભાઈ પરમાર, ગિરીશભાઈ વાઘેલા, પ્રમોદભાઈ શીંગડીયા અને અલ્કેશભાઈ બુધ્ધદેવ તથા પીજીવીસીએલ પોરબંદરના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ રક્તદાન કેમ્પમાં પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અકબર સોરઠીયા, શાંતિબેન ઓડેદરા, ચંદ્રેશ કિશોર, બિન્દુબેન થાનકી, જગદીશ થાનકી, રામભાઈ ઓડેદરા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા, બિરાજ કોટેચા, હાર્દિક મોનાણી, કેતન પટેલ, અને ભાવસિંહજી બ્લડબેન્કના સ્ટાફે ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
