પોરબંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઇ

પોરબંદર તા,૧૬. વિશ્વ યોગ દિવસ તા.૨૧ જૂનની ઉજવણીના આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને પોરબંદર જિલ્લાના યોગસાધકો, યોગ ટ્રેનરો અને યોગકોચની મીટીંગ યોજાઇ હતી. વિશ્વ યોગ દિવસ ની ઉજવણીમાં પોરબંદર જિલ્લાના વધુને વધુ લોકો જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવવાની સાથે લોકો યોગનું મહત્વ સમજી દૈનિક જીવનમાં યોગ કરી સ્વસ્થ અને નીરોગી જીવન જીવે તે માટે જિલ્લાના યોગ કોચ સહિત સંસ્થાઓ વધુ કાર્યશીલ બને તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. આ મિટિંગમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી મનીષભાઈ ઝાપડા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા સંયોજક જીવાભાઇ ખૂટી, યુવા બોર્ડના જિલ્લા સંયોજક રાજાભાઈ જોશી, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઇ કોટિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાની યોગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
