ગુરુકુળ મહિલા કોલેજમાં’ધ લાઈફ એન્ડ આફ્ટર લાઈફ ઓફ પૂજ્ય બાપુજી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીમાં સંપાદિત ‘ધ લાઈફ એન્ડ આફ્ટર લાઈફ ઓફ પૂજ્ય બાપુજી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…
પોરબંદરની રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન અને પ્રેરણાથી ઇન્ટરનેશનલ સેમીનાર સંદર્ભે અંગ્રેજીમાં સંપાદિત ‘ધ લાઈફ એન્ડ આફ્ટર લાઈફ ઓફ પૂજ્ય બાપુજી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
પોતાની દીર્ઘદ્રષ્ટિ, કન્યા કેળવણીની પહેલ તેમજ ઉદ્યોગ સાહસિકતાના ગુણોને કારણે સુવિખ્યાત એવા ગોરાણાના વતની અને પોરબંદર સ્થિત એવી પ્રખ્યાત સંસ્થા આર્ય કન્યા ગુરુકુળ વિદ્યાલય તેમજ કોલેજના સંસ્થાપક રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ભારતના નકશા પર પોતાનું નામ કંડારી ચુક્યા છે. એવા આપણા લાડીલા બાપુજી જેઓને પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજીએ પણ ‘ભારતરત્ન’નું બિરૂદ આપેલું છે.
ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં તારીખ ૧૧ના રોજ ગુરુકુળ મહિલા કોલેજ ખાતે આવા અદ્વિતીય મહાનુભાવ તેમજ સંસ્થાના પૂજ્ય કુલપિતાજીના જીવન અને કાર્યસિદ્ધિઓ સંદર્ભે ‘ધ લાઇફ ઍન્ડ વર્ક ઓફ પૂજ્ય બાપુજી’ વિષય પર ઇન્ટરનેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં અંગ્રેજી ભાષામાં રજૂ થયેલા રિસર્ચ પેપર્સ માટે એક વર્કશોપનું આયોજન કરી રિસર્ચ કમિટી દ્વારા શ્રેષ્ઠ રિસર્ચ પેપર્સ પસંદ કરાયેલા, જેનું ગુરુપૂર્ણિમાના પર્વ પર કોલેજના પ્રિન્સિપાલ,તમામ હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ્સ અને સિનિયર પ્રાધ્યાપકો દ્વારા વિમોચન કરાયેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાઈસપ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા, ડૉ. કેતકીબેન પંડ્યા, ડૉ. શાંતીબેન મોઢવાડિયા, પ્રો. અદિતીબેન દવે, પ્રો. અમીબેન પઢિયાર તેમજ પ્રતિનિધી વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવેલી.
