સાંદીપનિમાં ભક્તિભાવ સભર વાતાવરણમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
તા. ૦૩-૦૭-૨૩, સોમવારના રોજ સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં ભાવસભર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
સૌ પ્રથમ સવારે શ્રીહરિ મંદિરમાં સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ અને શ્રીહરિ મંદિરમાં તપસ્વી સ્વરૂપ શ્રીલક્ષ્મીનારાયણના વિશેષ દર્શન યોજાયા હતા. આ સાથે વ્યાસ પૂર્ણિમાના અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા આદિગુરુ શંકરાચાર્ય ભગવાન અને વેદવ્યાસજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યુ. ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી અને ઉપસ્થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ કરવામાં આવ્યો અને ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી દ્વારા ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે સંદેશ પ્રવચન આપવામાં આવ્યુ. પ્રવચન બાદ મુખ્ય યજમાન શ્રી સંજયભાઈ સુચક પરિવાર દ્વારા વિધિવત પૂજ્ય ભાઇશ્રીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ. સાંદીપનિની વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા પારાશરસંહિતા મુજબ વિધિપૂર્વક આ પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશ-વિદેશથી, પોરબંદરથી આવેલા અનેક ભક્તો તેમજ ઋષિકુમારોએ પૂજ્ય ભાઇશ્રીના ચરણોમાં વંદન કર્યા હતા.
તત્ત્વદર્શન સામયિકનું વિમોચન
ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા તત્ત્વદર્શનના વિશેષ અંક કે જેમાં પૂજ્ય ભાઇશ્રીના માર્ગદર્શનથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિ ભાવિ પ્રકલ્પનો પરિચય આપ્યો છે. આ અવસરે સત્ સાહિત્ય પ્રકાશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.