ભાવનગરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ અંગદાન: અકસ્માતમાં ઘાયલ થયેલ 60 વર્ષના વૃદ્ધનું અંગદાન બે વ્યક્તિઓને નવજીવન આપશે

ભાવનગર તા.11
ભાવનગરમાં છેલ્લા ત્રણેક વર્ષથી કોરોના સહિતના કારણોસર અંગદાનની પ્રવૃત્તિ બંધ રહ્યા બાદ આજે ફરી એકવાર મહર્ષિ દધીચી એવોર્ડ વિનર ડોક્ટર રાજેન્દ્ર કાબરીયા દ્વારા એક વ્યક્તિનું અંગદાન લેવાયું છે ભાવનગરમાં 2008માં અંગદાનની પ્રવૃત્તિ શરૂ થયા બાદ આ 71મું અંગદાન છે.
દર્દી મગનભાઈ ઓધવજીભાઈ ઠક્કર ઉ.વ:૬૦, રહેવાસી:૧૯-એ, જલારામ કૃપા, ચિત્રા બેંક કોલોની ;ભાવનગર ના તેઓ તા:૯/૦૭/૨૦૨૩ નાં રોજ રાત્રે ૮:૦૦ મસ્તરામબાપાના મંદિર થી ચાલીને ઘરે જતા ત્યારે, ઓટો રિક્ષા એ પાછળ થી ટલ્લો મારતા બેભાન થઈ જતા તેઓને, સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં લાવેલા હતા. ત્યાં દર્દીના મગજ નો સીટી સ્કેન કરાવતા મગજ માં ખુબ જ મોટુ અને ગંભીર પ્રકારનુ હેમરેજ હતું અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા હતા તેઓ તા:૧૦/૦૭/૨૦૨૩ નાં રોજ તબીયત માં સુધારો ન થતા ડો રાજેન્દ્ર કાબરીયા (ન્યુરોસજૅન) અને ડો મીલાપ પરમાર (ન્યુરોસજૅન) દ્વારા તપાસ કરી ને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલા. દર્દી પોતે અપરણીત હતા અને વર્ષો થી મસ્તરામ બાપા મંદિર ચીત્રા માં સેવા આપતા હતા. ત્યાર બાદ દર્દી નાં ભાભી શ્રી નયનાબેન નગીનદાસ ઠક્કર અને મસ્તરામ બાપા મંદિરમાં સેવા આપતા અન્ય ભક્તજનો ને અંગદાન (અવયવોના દાન) અંગેનુ મહત્વ સમજાવતા તેઓએ આવા સામાજીક ઉમદા કાર્ય માટે તુરંત જ સંમતિ આપી હતી ત્યાર બાદ તા:૧૧/૦૭/૨૦૨૩ નાં રોજ અમદાવાદ થી ડોક્ટર ની ટીમ દ્વારા વહેલી સવારે ૭:૦૦ વાગ્યે બન્ને કિડની નું દાન લીધેલ હતું, આ રીતે તેઓ બે દર્દી ને નવજીવન આપશે ભાવનગર નું આ ૭૧ (એકોત્તેર),મુ અંગદાન છે.
