મરેલાંઓની ડોર્મિટરી એટલે સેમિટરી Cemetery (લેખક :-નારન બારૈયા)
- મરેલાંઓની ડોર્મિટરી એટલે સેમિટરી Cemeteryને મૃત્યુ સાથે કાળમીંઢ કનેક્શન છે. માણસ મર્યો નથી કે એને Cemetery સુધી પહોચાડવાની તૈયારી શરૂ થઈ નથી. ગમે તેવો કામનો માણસ હોય તો પણ તે મરવામાં સફળ રહ્યો હોય અથવા જીવવામાં નિષ્ફળ રહ્યો હોય એટલે તરત એને વહેલી તકે Cemetery ભેગો કરવામાં આવે છે. Cemetery માનવ શરીરની અંતિમયાત્રાનું મહાધામ છે. મર્યા પછી સેમિટરી-યાત્રા ન કરવી હોય તો તમારે તમારા મૃત્યુ માટે એવી વ્યવસ્થા કરવી પડે કે જેમાં તમારું ‘ખલુ ધર્મસાધનમ’ એટલે કે શરીર ગોત્યું ય હાથ ન આવે. કારણ કે જેમના ‘ખલુ ધર્મસાધનમ્’ બિનવારસુ મળી આવે છે એમને પણ સ્વૈછીક સંસ્થાઓ અથવા ખુદ સરકાર Cemetery સુધી પહોંચાડી નાખે છે. એટલું જ નહીં, ત્યાં પહોંચાડીને ‘થાતી વિધિ’ પણ કરી નાખે છે. જીવવા માટે માણસ મારપછાડા કરતો હશે ત્યારે કોઈ એને માનપૂર્વક રોજી નહીં આપે. પણ ઈ-નો-ઇ-જ માણહ મરી જાહે તો ઈને Cemetery સુધી માનપૂર્વક પહોંચાડવામાં આવશે. કેમ કે હવે ઈ ક્યાં નડવાનો છે?!?!
Cemeteryને ગુજરાતીમાં કબ્રસ્તાન અથવા સમાધિસ્થાન કહેવાનો રિવાજ છે. પારસીઓનું દખમું પણ અંગ્રેજીમાં Cemetery બની જાય છે. એમ તો Cemeteryને સ્મશાન, મસાણ, મસણિયું કે મહણિયું કહેવાનો રિવાજ પણ છે જ… પણ Cemetery શબ્દની સમજણને ઉકાળવા માટેનો તાવડો આપણે તપાવીને જ બેઠા છીએ તો એ ઉકળતી સમજણમાં ચોખવટના એવાં બે ટીપાં પણ પાડી દેવા જરૂરી છે કે Cemetery શબ્દ મોટાભાગે ‘માનવ દેહને દફનાવવાનું સ્થળ’ એવો ભાવ આપે છે. કારણ કે Cemetery શબ્દએ જુડાઇઝમથી પ્રભાવિત ધર્મો (ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, ઈત્યાદિ)-ની અસરવાળા રિવાજના અર્થને યુગો સુધી સેવા આપી છે. એની સામે સ્મશાન શબ્દ એવી વિભાવના આપે છે કે જયાં મૃતદેહને અગ્નિદાહ અપાય છે એ સ્થળ, કારણ કે સ્મશાન શબ્દ ભારતીય ઉપખંડના વૈદિક ધર્મથી પ્રભાવિત છે. એટલે… Cemetery અને સ્મશાન વચ્ચેના અર્થભેદવાળી તિરાડમાં આ સમજણના ટીપાં ઊંઝવા પડે અને પછી જ બન્ને શબ્દોને જરૂર અનુસાર એકબીજાની જગ્યાએ વિવેકપૂર્વક, મોજપૂર્વક વાપરી શકાય…
અને… સ્મશાન કહો કે Cemetery આખરે તો એ ‘રામ બોલો ભાઈ રામ’ થઈ ગયેલા માણસને ઠેકાણે પાડવાનું જ સ્થળ છે – એવું સમજીને જ કદાચ મોનિયર-વિલિયમ્સ કૃત ઈંગ્લીશ-સંસ્કૃત શબ્દમંજૂષામાં Cemetery શબ્દનાં સંસ્કૃત પર્યાયવાચી તરીકે ‘સ્મશાનં’, ‘પ્રેતવનં’, પિતૃવનં’, ‘પિતૃ કાનનં’, ‘પિતૃવંસતી’ જેવા શબ્દોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો પાછળ મેં કીધું એમ પેલી ‘ઠેકાણે પાડવાની’ બેઝિક થિયરીને જ ધ્યાનમાં લેવામાં આવી છે.
પણ ઓકે… છેક આંગ્લભાષાના અરણ્યથી સંસ્કૃતના સુંદરવન સુધીની લાંબી અર્થખેપ કરવાની હોય એટલે થોડી-ઘણી આવી માથાકૂટ તો રહેવાની જ છે. પણ… બહુ ઝાઝી ‘હંચળ’ (સંચલન) ન થાય એ રીતે, ચૂપચાપ, થોડુંક નવાઈ ઉર્ફે આશ્ચર્ય પામી નાખવું હોય તો અમને અત્યંત ગુપ્તતાપૂર્વક ચોંકાવનારી વિગતો એવી સાંપડી છે કે Cemetery શબ્દને તેની ખુદની અંગ્રેજી ભાષાના સમાનાર્થી શબ્દો સાથે પણ તંતોતંત મનમેળ તો નથી જ !!! પામ્યા ને આશ્ચર્ય ?!? પામવું જ પડે ! આ વાત જ એવી છે ! અને હજી… તમારા એ આશ્ચર્યને વિત્તવાન અથવા સમૃદ્ધ બનાવવું હોય અને વિધિવત રીતે આશ્ચર્યચકિત થવુ હોય તો કોઈની સાથે વાત કર્યા વગર, આડું-અવળું જોયા વગર, એકદમ હળવેકથી, જરા પણ ખખડાટ ન થાય એ રીતે આગળના ફકરામા પ્રવેશ કરો…ત્યાં તમારું સ્વાગત કરવા માટે હું ઊભો જ છું…
યસ, વેલકમ… નવા ફકરામાં તમારું સ્વાગત છે… હવે વાત એમ છે કે અંગ્રેજીમાં Cemeteryના સમાનાર્થી તરીકે burial-ground, burying-ground, churchyard, god’s acre, graveyard, mortuary, necropolis અને crematorium જેવા શબ્દો વખતો-વખત સેવા આપે છે. Cemetery શબ્દ બીમાર પડ્યો હોય, કોઇ મરણ-હરણ કે ખરખરા જેવા સામાજિક કામે રોકાયેલો હોય કે બીજા કોઈ પણ કારણસર રજા પર હોય ત્યારે આમાંથી કોઈ-ને-કોઈ શબ્દ એની જગ્યાએ આવીને ગોઠવાઈ જાય છે. સામાન્ય લેંગ્વેજ કન્ઝ્યુમરને આ વ્યવસ્થાની ખબર પડતી નથી. પણ… ભાષામાં… કયો શબ્દ, ક્યારે, શું ધંધા કરે છે, શું નથી કરતો વગેરે ગતિવિધી પર ચોવીસે કલાક જાસૂસી કરનાર શબ્દખોદુઓએ તાજેતરમાં જ એવો ભાંડો ફોડી નાખ્યો છે કે Cemetery શબ્દનો ઉપર જણાવેલ કોઈ પણ સમાનાર્થી શબ્દ સાક્ષાત Cemetery જેવો અદ્લોઅદલ એટલે કે સો ટકા અર્થ પૂરો પાડતો નથી. આપણા કાનમાં તેલ રેડતા હોય તે રીતે ભાંડાફોડૂઓ રહસ્યસ્ફોટ કરે છે કે burial-ground અથવા burying -ground કે God’s acre જેવા અર્થવાહકોમાં એકથી વધુ શબ્દોના સંઘાડીયા થતા હોવાથી એ લોકોમાં શબ્દરૂપ ઓછું અને વ્યાખ્યાયિત પદનું રૂપ વધુ અનુભવાય છે. વળી God’s acre તો નરી ઉપમા છે. તો વળી mortuary એ શબને માત્ર અમુક સમય સુધી જ રાખવાનું મકાન છે.
ઘણા લોકો necropolisને cemeteryના સો ટકા સમાનાર્થી તરીકે ધરબી દેવાની કોશિશ કરે છે. પણ એ લોકો એમાં પણ સફળ થઈ શકવાના નથી. કેમ કે ‘નીક્રોપલીસ’ શબ્દ પ્રાચીન સમયની વિશાળ સેમીટરીઓ માટે વિશેષ સેવા આપતો શબ્દ છે. ઈટ મીન્સ : ‘નીક્રોપલીસ’નો સ્પષ્ટ અર્થ cemetery થતો હોવા છતાં તેનો સંદર્ભ તેને જુદા જ અર્થવિધાન તરફ દોરી જાય છે. બાકી રહેલો graveyards શબ્દ. Graveyardને cemeteryનો સૌથી નજીકનો શબ્દ માનવામાં આવે છે. અને છે પણ ખરો. લોકોની વાત ખોટી નથી. પણ તેને ય Cemeteryના સો ટકા સમાનાર્થી તરીકે નિમણૂક આપવામાં વાંધો ત્યાં પડે છે કે graveyard એક cemetery જ હોવા છતાં ચર્ચની બાજુમાં આવેલી cemeteryને જ graveyard કહેવામાં આવે છે. જ્યારે cemetery હોવા માટે બાજુમાં ચર્ચ હોવું ફરજિયાત નથી. આ રીતે આ હકીકતો હળવું આશ્ચર્ય પમાડી શકે છે. જો કે આનાથી આશ્ચર્ય પામવામાં તમે સફળ ન થયા હો તો તમે એ વાતે પણ આશ્ચર્ય પામી શકો કે આમાં આશ્ચર્ય પામવા જેવું છે શું?!
અને છેવટે તો મૃત્યુ એ જ આશ્ચર્યનો મહાન વિષય છે, અને cemetery મરેલાઓને સંઘરે છે. અલબત્ત, મૃત્યુ સાથે જીવન જીવનાર cemetery શબ્દનો જન્મ અંગ્રેજી ભાષામાં લેટિન અને ગ્રીક ભાષાના સંયોગથી થયો હોવાનું માનવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું શબ્દચયન ખાતું હાલ એવા તારણ ઉપર છે કે ગ્રીક ભાષાના Koimeterion (ડોર્મિટરી) અથવા તો koiman (સૂવડાવી દેવું) પરથી વાયા લેટિન થઈને cemetery શબ્દ મિડલ ઈંગ્લીશમાં અવતાર પામ્યો હતો. Koimeterion શબ્દ ગ્રીક ભાષામાં ડોર્મિટરી માટે વપરાય છે. ડોર્મિંટરીમાં એક સાથે ઘણાબધા લોકોને સુવાની વ્યવસ્થા હોય છે, તેમ cemeteryમાં પણ એક સાથે અનેક લોકોને સાથે સુવડાવી દેવામાં આવે છે, અલબત, મરેલાઓને…
પણ શક્ય છે કે આવતીકાલે ઓક્સફોર્ડના તારણો રિપેર પણ કરવાં પડે. કારણ કે cemeteryને સંસ્કૃત શબ્દ ‘સ્મશાન’ની બાજુમાં કે સમાંતર મૂકવાથી “સ/શ” તથા “મ” અક્ષરનું સીધું સામ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સાઉન્ડ મુજબ Cemeteryમાં ત્રીજા ક્રમે “T” અને સ્મશાનમાં ત્રીજા ક્રમે “શ” પ્રાપ્ત થાય છે. તમને ખ્યાલ હોય તો, અંગ્રેજીમાં “T” પણ ઘણી વખત “શ” ઉચ્ચાર આપવાની ટેવવાળો અક્ષર છે. આ રીતે Cemeteryને સંસ્કૃત શબ્દ “સ્મશાન” સાથે ત્રણ અક્ષરો સુધીનું અનુસંધાન પ્રાપ્ત થાય છે. અર્થનું અનુસંધાન તો છે જ… હવે… પ્રાચીન સમયમાં પણ ભારતીય સંસ્કૃતિને વિશ્વની અન્ય સંસ્કૃતિઓ સાથે અનુસંધાન તો હતું જ. તે જોતાં કાલે સવારે કોઈ શબ્દખેડૂ તેના સંશોધનમાં Cemeteryને સંસ્કૃત શબ્દ ‘સ્મશાન’ પરથી ઊતરી આવેલો સિદ્ધ કરે તો તેની સાથે સહમત થવાની મજા પડે… ઢેનટણેન…ટેં ટેં — ટેં ટેં ટેં…!!!
ઘણા લોકોને અમુક શબ્દો સાંભળીને ઉત્તેજિત થઈ જવાની ટેવ હોય છે. દાખલા તરીકે, ઘણાંને અમુક ભોજનની વાનગીનું નામ સાંભળીને તે ખાવાનું તીવ્ર મન થઈ ઊઠે છે. અમુક લોકો માત્ર ‘સ્ત્રી’ શબ્દ સાંભળતાની સાથે જ કાંઇનું કાંઈ વિચારી નાખતા હોય છે. અને એમાં પણ ઘણા લોકોને માત્ર વિચારીને જ અમુક કલ્પનાઓનો ‘ધ એન્ડ’ કરવો પડતો હોય છે. ઉપરના ‘ઢેનટણેન્’ પૂર્વેના ફકરામાં અંતભાગે લખાયેલ ‘સહમત થવાની મજા’ શબ્દપ્રયોગ વાંચીને તમને અત્યારે -ને-અત્યારે કોઈની-ને-કોઈની સાથે કોઈ-ને-કોઈ બાબતે જોરદાર રીતે સહમત થઈ નાખવાનું તીવ્ર મન થઈ ઉઠ્યું હોય… અને કોઈ-ને-કોઈ સાથે સહમત થવાની મોજ માણ્યા વગર રહી ન શકાય એમ હોય… તો એ માટે મેં તમારા માટે cemetery સંદર્ભે કેટલીક વ્યવસ્થા અગાઉથી કરી રાખી છે…
એચ. ડબલ્યુ.બીચર નામના એક લેખકે એક વાર સાવ જુદા જ પ્રકારની Cemeteryની વાત કરી હતી. તેણે કહ્યું હતું: Every man should have a fair- sized cemetery in which to bury the faults of his friends… હિ મીન્સ : દરેક માણસે પોતાની પાસે ઠીક ઠીક મોટી સાઇઝની સેમિટરી રાખવી જોઈએ, જેમાં તે પોતાના મિત્રોના દોષોને દફનાવી શકે… બોલો સહમત થઈ નાખવા જેવું છે કે નહીં?
એમ તો આર્થર બ્રીસબેનના આ શબ્દો સાથે પણ સહમત થવાની તમને મજા પડશે : The fence around a cemetery is foolish, for those inside can’t come out and those outside don’t want to get in… તેઓ કહે છે : સેમિટરીની ફરતે વાડ બાંધવી એ મૂર્ખામી છે ; કારણ કે જે લોકો અંદર છે તે લોકો બહાર આવી શકે તેમ નથી અને જે લોકો બહાર છે તે લોકો અંદર જવા ઇચ્છતા નથી…