પોરબંદરમાં પોસ્ટ ઓફિસનું સ્થળાંતર થતા પાસપોર્ટની કામગીરી ખોરંભે ચડી

અરજદારોને પોરબંદરને બદલે રાજકોટ જામનગર જૂનાગઢના ધક્કા થતા હોવાની ફરિયાદ—–કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ થઈ રજૂઆત
પોરબંદરમાં વર્ષો જૂની મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ જર્જરીત બની જતા તેનું હાલમાં નવીનીકરણ શરૂ થતા તેને તેની તમામ કામગીરી માટે આ પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટની કામગીરી થતી હતી પરંતુ સ્થળાંતર થયા બાદ હવે કામગીરી ખોરંભે ચડી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવાથી કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં વર્ષોથી બસ સ્ટેશન નજીક આર્ય સમાજની સામે મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત હતી અને એ પોસ્ટ ઓફિસ નું ભવન જર્જરીત બની જતા તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલ આ પોસ્ટ ઓફિસ રામટેકરી નજીક કાર્યરત બની છે.
બસ સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ કાર્યરત હતી ત્યારે ત્યાં પાસપોર્ટ ની કામગીરી થતી હતી અને પાસપોર્ટ કઢાવવા માટે અરજીઓ કરેલી હોય તેવા લોકોની એપોઇન્ટમેન્ટ અહીંયા અપાતી હતી જેથી પોસ્ટ ઓફિસ ખાતે આવીને અરજદારો તેમની એપોઇન્ટમેન્ટ મુજબ હાજર રહેતા હતા અને આગળની કાર્યવાહી થતી હતી.
પરંતુ પહેલી તારીખથી એટલે કે એક ઓગસ્ટ થી પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારથી પાસપોર્ટ ની કામગીરી ટલ્લે ચડી ગઈ છે કારણ કે નવી પોસ્ટ ઓફિસની જ્યાં કામગીરી ચાલુ છે એ સ્થળે કોઈપણ પ્રકારની પાસપોર્ટ ની કાર્યવાહી સમયસર થતી નથી અને સર્વર ડાઉન સહિત અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેના કારણે પોરબંદરમાં કોઈ પણ નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી નથી અને રાજકોટ અથવા તો જુનાગઢ કે જામનગરની એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે જેના કારણે પોરબંદર શહેર અને જિલ્લાના પાસપોર્ટ કઢાવવા ધારક ઈચ્છુક લોકોને ત્યાં સુધીના ધક્કા થાય છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ કહ્યું છે કે તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે તેને જે કોઈ સર્વર ની સમસ્યા હોય અથવા તો ડેટાનો પ્રોબ્લેમ હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવીને પણ પાસપોર્ટ ની એપોઇન્ટમેન્ટની કામગીરી પોરબંદર ખાતે જ થવી જોઈએ તેવી માંગણી કરી છે કારણ કે જુનાગઢ સહિત અન્ય શહેરોમાં ધક્કા થઈ રહ્યા છે અને જેના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આર્થિક રીતે પણ તેઓ નુકસાની ભોગવી રહ્યા છે માટે સ્થાનિક કક્ષાએ જ પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટ એપોઇન્ટમેન્ટની અને તેની આગળની કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવા મારી માંગ છે તેમ પત્રના અંતે રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા જણાવ્યું છે.
