પોરબંદરની વિદ્યાર્થિની દર્શિકા વરુએ રાજ્ય કક્ષા ની ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું
ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા મહોત્સવ ચિત્રકલા પ્રતિસ્પર્ધામાં
***
નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા કક્ષાના સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ વિજેતા બની

પોરબંદર તા.૧૪, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંગત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર દ્વારા તારીખ ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ મોઢેશ્વરી ભવન પેથાપુર (ગાંધીનગર) ખાતે યોજાયેલ ચિત્રકલા પ્રતિસ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમાંક ધરાવતા યુવા યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પંચ પ્રાણ અમૃતકાળ વિષય રાખવામાં હતો. રાજ્યના તમામ સ્પર્ધકો પૈકી પોરબંદરના દર્શિકા વરુ રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ચિત્રકલા પ્રતિસ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલ સ્પર્ધામાં વિજેતા દર્શિકા રાજ્યકક્ષાએ ભાગ લઈ વિજેતા બની હતી. આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દર્શિકાને રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ એનાયત કરી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ અપર વિકાસ આયુક્ત ડૉ.ગૌરવ દહિયા, ગુજરાત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના નિર્દેશક શ્રીમતી મનીષાબેન શાહ સહિત મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં જોડાયેલા યુવાનોને શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
