અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓ અને સ્વજનો માટે સેલ્ટરની સુવિધાના નિર્માણનો શુભારંભ


મુળ કિંદરખેડાના તથા હાલ લંડન સ્થિત યુવાને એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું આપ્યું અનુદાન:વિલા સર્કીટ હાઉસ ખાતે મહેર સમાજના સુશિક્ષિતોની યોજાઈ બેઠક:દાતા પરિવારનું થયું અદકેરું અભિવાદન
પોરબંદર
પોરબંદરથી ૪૦૦ કિમી દુર અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય છે ત્યાં દર્દીના સ્વજનોને રહેવા માટેની કોઈ સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળતી નથી,તેથી ઘણી વખત દર્દીઓ અને તેના સ્વજનો હેરાન થતા હોય છે ત્યારે તેમની સુવિધાઅર્થે સેલ્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે મુળ કિંદરખેડા તથા હાલ લંડન સ્થિત યુવાને એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું માતબર અનુદાન આપીને તેનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું છે ત્યારે મહેર સમાજના સુશિક્ષિતોની એક અગત્યની બેઠક પોરબંદરના વિલા સર્કીટ ખાતે કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી
મુળ કિંદરખેડા ગામના અને હાલ લંડન સ્થિત અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા કે જેઓ અમદાવાદ સિવીલ હોસ્પિટલની બાજુમાં, સિવીલ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ થનારા દર્દીઓને રહેવા માટે નવનિર્મીત “કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન”નું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે દાતાના અભિવાદન સહિત મહેર સમાજના સુશિક્ષિતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,
મુખ્ય દાતા તથા તેનું સંચાલન કરનારા “મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ અમદાવાદના પ્રમુખ અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા અને આપણા વિસ્તારની અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના દાતા, અમેરીકાની અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા અમેરિકા સ્થિત ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડીયા સાથે મહેર સમાજના ડોકટરો, એન્જીનીઅરો અને પ્રોફેસરો અને બેન્કીંગ સેકટરનાભાઈ બહેનોનું ‘ગેટ ટુ ગેધરીંગ” કાર્યક્રમનું આયોજન રામદેવ મોઢવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચોપાટી ખાતે સર્કિટ હાઉસના “કોન્ફરન્સ હોલ”માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેર સમાજના સિનીયર ડોકટરો, સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બનાવનારા અને પ્રોફેસર તેમજ બેન્કીંગ સેકટરના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભીમભાઈ સવદાસભાઈ મોઢવાડીયા નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શકયા ન હતા,
*ડો.વિરમભાઈ ગોઢાણીયાના આશીર્વચન*
ડો. વિરમભાઈ ગોઢાણીયાએ તેના આશીર્વચન પ્રવચનમાં જણાવ્યું હતું કે, અજયભાઈ મોઢવાડીયાએ તેના પિતા “કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્યભવન”માં ૧,૧૧,૧૧,૧૧૧/- રૂા. જેટલું માતબર દાન આપીને ગંભીર બિમારીથી પીડાતા લોકોને અને તેના સગા વહાલાને અમદાવાદથી ૪૦૦ કીલોમીટર દુર મેગા સીટીમાં શેલ્ટર પુરૂ પાડવાના યજ્ઞમાં મુખ્ય યજમાન બનીને પુણ્યનું કામ કર્યુ છે. અગાઉ પણ કિંદરખેડા મહેર સમાજ, બખરલા હાઈસ્કુલ અને લેસ્ટરનીસંસ્થામાં યોગદાન અને આર્કિટેકટ તરીકે ટેકનીકલ માર્ગદર્શન પણ વિનામુલ્યે પુરૂ પાડેલ છે. અને તેના સન્માનમાં આટલી મોટી સંખ્યામાં ડોકટરો, એન્જીનીઅરો, પ્રોફેસરો અને બેન્કીંગ સેકટરના બહેનોની હાજરીથી હું આનંદ અને ખુશીની લાગણી અનુભવું છું. અને પુણ્યશાળી કર્મ કરવા માટે અજયભાઈને અભિનંદન પાઠવું છું.
*અર્જુનભાઈ મોઢવાડિયાનું પ્રાસંગિક પ્રવચન*
અર્જુનભાઈ મોઢવાડીયાએ તેના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, અજયભાઈના પિતા કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયાએ અધિક્ષક ઈજનેર સેન્ટ્રલ ડીઝાઈન ઓર્ગેનાઈઝેશન-ગાંધીનગરમાં નિષ્ણાંત સ્ટ્રકચર સીવીલ એન્જીનીઅર તરીકે સેવા આપીને અમેરિકા ન્યુયોર્ક સીટીમાં સ્થાયી થયા હતા. કાનાભાઈએ નર્મદા ડેમની ઉંચાઈ વધારવા સામે થયેલ સુપ્રિમ કોર્ટના કેસમાં ગુજરાતનો પક્ષ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને ગુજરાતના મોટાભાગના ડેમની ડીઝાઈનમાં પણ તેનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યુયોર્કમાં પણ સીટી કાઉન્સીલના એન્જીનીઅરીંગ સેકટરમાં ઉચ્ચ હોદાપર નિયુકિત મળ ને લાંબા સમય સુધી સેવા આપીને અત્યારે નિવૃત જીવન ગાળનારા કાનાભાઈ એન્જીનીયરીંગ ક્ષેત્રે મારા જેવા અનેક એન્જીનીઅરોના “આઈકોન” છે.
*રામદેવભાઈ મોઢવાડિયાનું સ્વપ્ન થશે સાકાર*
સ્વાગત પ્રવચન રામદેવ મોઢવાડીયાએ કર્યુ હતું અને જણાવ્યું હતું કે સિવીલ હોસ્પિટલ અમદાવાદમાં શેલ્ટર માટે દુ:ખી થતા દર્દીઓ અને તેના સગા વહાલાઓને જોઈને સમાજના લોકો માટે સારી વ્યવસ્થા આપવાનું સ્વપ્ન સેવ્યું હતું. અને આ સપનાને અજયભાઈએ આપેલ માતબર દાનથી જેટ ગતિ સાંપડી હતી. અને લોકો આજે આ પ્રોજેકટ માટે ભાવથી દાન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે અજયભાઈએ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી એટલું જ નહીં પણ આજે આ પ્રોજેકટના ડીઝાઈનીંગથી માંડીને “આર્કિટેકચરલ ઓપ” પણ પોતે આપ્યો અને અત્યારે પોતાનો કિંમતી સમય આપીને પ્રોજેકટનું મોનીટરીંગ પણ પોતે જ કરે છે. તે માટે તમામ હાજર લોકોવતી અભિનંદન પાઠવ્યા હતા.
*દાતા અજયભાઈ મોઢવાડિયાનો પ્રતિભાવ*
અજયભાઈએ સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સમાજસેવાનો માર્ગ મને મારા માતા-પિતા તરફથી વારસામાં મળેલ છે. મારા પિતાએ સમાજ માટે અને ગુજરાત રાજય માટે પોતાનામાં પડેલ શક્તિનો મહતમ ઉપયોગ કર્યો હતો. તેમણે તેના પિતા કાનાભાઈની કામ કરવાની પધ્ધતી, તેમનાં વિચારો અને ગુજરાતમાં અને અમેરિકામાં કરેલ સંઘર્ષનો ચિતાર આપ્યો હતો.અજયભાઈએ અમદાવાદના પ્રોજેકટ વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પ્રોજેકટ સારો, સસ્તા અને ઉપયોગ કરનારા માટે અનુકુળ હોય એ માટે તમામ પાસાઓનું ધ્યાન પ્રોજેકટની ડીઝાઈન કરતી વખતે રાખેલ છે. આ પ્રોજેકટના ડ્રોઈંગ, ડીઝાઈન અને એલીવેશન નિર્દેશન હાજર રહેલા લોકો સમક્ષ પ્રોજેકટર મારફત આપ્યું હતું. અને તેની સાથે રામદેવભાઈ અને અમદાવાદની ટીમને પણ સહયોગ માટે બિરદાવી હતી. આટલી મોટી સંખ્યામાં રજાના દિવસે આવીને પોતાના સન્માન બદલ હાજર ડોકટરો, એન્જીનીઅરો,પ્રોફેસર ભાઈ બહેનો અને બેન્કીંગ સેકટરના ભાઈ બહેનોનો આભાર માન્યો હતો.
*સુશિક્ષિતોની હાજરી*
આ કાર્યક્રમમાં ડો. રાજેન્દ્ર ગોઢાણીયા, ડો. જીતેન વાઢેર, ડો. કૃણાલ ગોઢાણીયા, ડો. કાના ગરેજા, ડો.દેવયાની ગોઢાણીયા, ડો. ખ્યાતિબેન કેશવાલા, ડો. કરણ કેશવાલા, ડો. વિજય ઓડેદરા, ડેપ્યુટી એન્જીનીઅરો જયેશ કારાવદરા, રાજુ જાડેજા, મિતાશાબેન ઓડેદરા, પ્રોફેસરોમાં રણમલભાઈ મોઢવાડીયા,રામભાઈ કેશવાલા, બેન્ક મેનેજર, મુળુભાઈ પરમાર સહિતના મોટી સંખ્યામાં એન્જીનીઅરો, ડોકટરો,પ્રોફેસરો અને બેન્કીંગ સેકટરના ભાઈ બહેનો જોડાયા હતા. મહેર જ્ઞાતિ ભવનના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, મહેર સુપ્રિમ કાઉન્સીલમાંથી નવઘણભાઈ મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા, રામ મેપાભાઈ ઓડેદરા, મહેર શક્તિ સેનામાંથી રાણાભાઈ ઓડેદરા અને નવઘણભાઈ મોઢવાડીયાએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડક્રોસ સોસાયટીના ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયાએ કર્યુ હતું.
