માં કાર્ડ યોજના હેઠળ કામ કરતી હોસ્પિટલોને સરકાર દ્વારા ૬૫૦ કરોડ રૂપિયા નહી ચુકવાતા આંદોલન ની તૈયારી

સરકારની બેદરકારીને કારણે દર્દીઓ થશે હેરાન-પરેશાન: ચૂંટણી સમયે મતનો લાભ મેળવવા માટે રૂડા રૂપાળા નામ આપીને પ્રચાર-પ્રસાર કરતી ભાજપ સરકારની કોંગ્રેસે કાઢી ઝાટકણી: ડોક્ટરો હડતાલ પાસે તો દર્દીઓ હેરાન થશે તેમ જણાવીને વહેલી તકે નિવેડો લાવવા પોરબંદર કોંગ્રેસે આરોગ્ય મંત્રીને પાઠવ્યું આવેદન

પોરબંદર સહિત રાજયભરમાં નવમી ફેબ્રુઆરીથી માં કાર્ડ હેઠળ સારવાર આપવાની કામગીરી કરતી હોસ્પિટલોમાં ડોક્ટરો હડતાલ ઉપર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેનું મુખ્ય કારણ એવું બહાર આવ્યું છે કે,અંદાજે ૬૫૦ કરોડ રૂપિયા જેવી રકમ સરકારે હોસ્પિટલોને અને તેના તબીબોને ચુકવવાની બાકી છે.આથી પોરબંદર કોંગ્રેસે સરકારની બેદરકારીની ઝાટકણી કાઢીને ગરીબ દર્દીઓ હેરાન થાય તે પહેલા યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે સરકાર દ્વારા ૬૫૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મા કાર્ડ યોજના હેઠળ હોસ્પિટલોને અને તેના તબીબોને ચુકવવામાં આવી નથી.જેના કારણે હોસ્પિટલો દ્વારા સરકાર સામે બાંયો ચડાવીને આંદોલનની કામગીરી થવાની છે અને તા.૯/૨ સુધીમાં જો નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે છે આશીર્વાદરૂપ કાર્ડ

પ્રધાનમંત્રીની સામાન્ય જનતા માટે આરોગ્ય યોજના(પી.એમ.જે.એ.વાય.)નું કાર્ડ અત્યારે માસ્ટર સ્ટ્રોક જેવું કાર્ય કરે છે. લોકોને આ કાર્ડ હોવાને કારણે અમુક રોગ અને સારવારમાં મફત સારવાર મળી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ કાર્ડ ખૂબ જ આશીર્વાદરૂપ બન્યું છે અને તેનો વિશાળ સંખ્યામાં જરૂરીયાત લોકો લાભ લઇ રહ્યા છે

*પાલનપુરના ડોક્ટરનો ઓડિયો વાયરલ*

આ યોજનાથી છેવાડાના અને જરૂરીયાત મંદ દર્દીઓ અને લોકો ખુશ છે પરંતુ અનેક ડોક્ટરો ખુશ નથી એવું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ પાલનપુરના ડોક્ટરનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ડોક્ટરે સરકારની આ યોજના હેઠળ સારવાર સંબંધી મળતી રકમ ઘણા સમયથી મળતી બંધ થઈ છે. અથવા બિલની રકમ કરતા ૩૦%થી ૭૦% રકમ કપાય અને ડોક્ટર્સને આપવામાં આવે છે.તે સંદર્ભે બળાપો કાઢ્યો છે અને નવમી ફેબ્રુઆરીથી આ યોજના અંતર્ગત જે ડોક્ટરોના બિલ સરકારે ચુકવ્યા નથી અથવા તો બહુ મોટી કપાત કરી છે અને હોસ્પિટલ બહુ મોટા દેણામાં આવી ગઈ છે.તેવા ડોક્ટરોએ આ યોજના અંતર્ગત કાર્ય કરવાનું બંધ કરવા માટે એલાન કરવાનું જાણવા મળ્યું છે.

આઈ એમ એ ની પણ બાજ નજર

આઈ.એમ.એ. જે ડોક્ટરોની મોટી સંસ્થા છે.તેઓ આ હડતાળમાં ટેકામાં હાલ જોડાવાના નથી. પ્રાપ્ત માહિતી મુજબ નવમી ફેબ્રુઆરીએ જે ડોકટર હડતાળમાં જોડાઈ રહ્યા છે.તે આઈ.એમ.એ. ઉપરાંત ગુજરાત સરકાર અને પી.એમ.જે.એ.વાય. સંલગ્ન તમામ અધિકારી તથા સંસ્થાઓનો સંપર્ક કરી ચુકી છે અને યોગ્ય પ્રતિસાદ નથી મળ્યો તેવું તેઓનું કહેવું છે.
આઈ.એમ.એ.ના સુત્રો અનુસાર ફેબ્રુઆરીના ગુજરાત કક્ષાની એક મીટિંગ થઈ રહી છે, જેમાં આ સંદર્ભે એક કમિટી બનાવી અને યોગ્ય તપાસ કરી હડતાળમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.

કોઈ પક્ષ સામેની નહીં પરંતુ હકની છે લડાઈ

તેની સામે જે ડોક્ટરો ૯ ફેબ્રુઆરી થી હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે.તેઓની દલીલ છે કે આ અમારી હડતાળને નબળી પાડવાનું એક ષડયંત્ર રચાઇ રહ્યું છે.તેઓએ એમ પણ જણાવ્યું છે કે આ કોઈપક્ષની વિરુદ્ધમાં કે સરકારની વિરુદ્ધમાં હડતાળ નથી, પરંતુ અમારા હકની લડાઈ છે. અત્યાર સુધીમાં અમે જે વર્ક કર્યું છે તેને યોગ્ય રકમતાત્કાલિક ચુકવવી જોઈએ અને ભવિષ્યમાં ખોટા નિયમોદેખાડી અને કપાત થતી બંધ થવી જોઈએ.

ડોક્ટરોએ આપવી પડે છે બેન્ક ગેરેન્ટી!

સામાન્ય રીતેએમ.એસ.એમ.ઇ અંતર્ગત જે કાંઈ વીમા કંપનીઓ કે બેંકનું જોડાણ હોય તેને સરકાર બેંક ગેરેંટી આપતી હોય છે, પરંતુ અહીં ડોક્ટરોએ બેન્ક ગેરેંટી આપવી પડે છે.

વીમા કંપની એ આડેધડ કપાત કરતા ડોક્ટર લોબી નારાજ
સરકારે નિયત કરેલી ફી મુજબ ચુકવણી થવી જોઈએ, પરંતુ હાલ બજાજ ફાઇનાન્સ નામની વીમા કંપનીએ આડેધડ કપાત કરી અને ડોક્ટર લોબીને નારાજ કરી છે. એ વાતમાં તથ્ય છે કે ઘણી હોસ્પિટલના બે વર્ષથી વધારે સમયના બિલ બાકી છે.તો ઘણા છ મહિના સુધીના બિલની રાહ જોઈ રહ્યા છે.જે આંકડો કરોડોમાં થવા જઈ રહ્યો છે.નવમી તારીખથી હડતાળમાં જોડાવવા જનાર ડોક્ટરોનું કહેવું છે કે આઈ.એમ.એ.માં મોટા ભાગના સત્તાધારી પક્ષના સાથે જોડાયેલા ડોક્ટરો હોય અમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડતા નથી કે અમને સહકાર આપતા નથી જે ન થવું જોઈએ.

પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સામાન્ય લોકોને આ હડતાળથી ઘણો ફરક પડશે.તેઓને તકલીફ થશે. ડોક્ટર લોકો માટે સામાન્ય પબ્લિક કેમ રસ્તા પર નથી આવતી તે ડોક્ટરોએ પોતે પણ મનોમંથન કરવું જોઈએ. અમુક ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરી અને યોજનાનો લાભ લેવા માટે કાર્ય કરતા હોય છે. અને સમગ્ર તબીબી આલમની શાખ જોખમાય છે. આવા સંજોગોમાં લોકો સાથ આપતા નથી.ગમે તે પક્ષે વાંધો હોય, પરંતુ તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો આવે તો સામાન્ય માણસને પડતી માંથી બચી શકાય. આરોગ્યમંત્રીએ તાત્કાલિક આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા નિર્ણય લેવો જોઈએ તેવી મારી માંગ છે અને કોઈપણ દર્દીઓ હેરાન થાય નહીં તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી એ રાજ્ય સરકારની ફરજ છે તેમ પણ રામદેવભાઈ મોઢવાડિયા એ પત્રને અંતે ઉમેર્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!