પોરબંદર પોલીસ દ્વારા સાત વર્ષ પૂર્વે ગુમ થનાર શખ્સની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાનો પર્દાફાશ

પોરબંદર પોલીસ દ્વારા સાત વર્ષ પૂર્વે ગુમ થનાર 38 વર્ષીય પરબત ઉર્ફે ગગુ કોડીયાતર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હત્યા અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વરવાળા ગામના જ વતની ભીખા સેજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ બતાવેલી જગ્યા ખાતે મંગળવારના રોજ પોરબંદર પોલીસ દ્વારા જુનાગઢ એફએસએલ અધિકારી, પીએચસી અધિકારી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતનાઓની હાજરીમાં જેસીબી દ્વારા વરવાળા ગામ ખાતે આવેલ તળાવના કાંઠે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. અંતર્ગત 100 થી 102 જેટલા છૂટી હાલતમાં માનવ કંકાલના ટુકડાઓ મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની તેમજ હત્યારા ભીખા સેજા ઉલવા નામના વ્યક્તિના આડા સંબંધોના કારણે પરબત ઉર્ફે ગગુની હત્યા કરવામાં આવી હોવાનું હાલ તારણ સામે આવ્યું છે. જોકે આ તારણમાં કેટલી સત્યતા છે તે બાબતે મરણ જનારની પત્નીની તેમજ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
પોરબંદર એસપી ભગીરથ સિંહ ડોડીયાના જણાવ્યા પ્રમાણે પોરબંદર પેરોલ ફર્લો સ્કોરના પીએસઆઇ એચ.એમ. જાડેજાને હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી હકીકત મળી હતી કે ડિસેમ્બર 2017 માં વરવાડા ગામના પરબત ઉર્ફે ગગુ કોડીયાતર જે ગુમ થયો છે. તેની હત્યા કરવામાં આવી છે. તેમજ તેની હત્યા એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. જે ચોક્કસ બાતમીના આધારે યુક્તિ પ્રતિ યુક્તિથી ભિખા સેજા ઉલવાની પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા ગળાટૂંપો દઈને પરબત ઉર્ફે ગગુની હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ તળાવના કાંઠે ખાડો ખોદીને લાશ દાટી દીધી હોવાનું પણ જણાવ્યું છે. આરોપી ભીખા ઉલ્વાનું સાઇકો એનાલિસિસ પણ કરાવવામાં આવશે. તો સાથે જ સાંયોગીક પુરાવા પણ એકત્રિત કરવામાં આવશે.
પરબત ઉર્ફે ગગુની હત્યા કરવામાં તેની પત્નીની ભૂમિકા પણ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. તો સાથે જ સમગ્ર ઘટનામાં માત્ર ભીખા સેજા ઉલવા એક જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ વ્યક્તિઓની પણ સંડોગણી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. ભીખા સેજા ઉલવા દ્વારા કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશને કઈ રીતે તળાવના કાંઠે લઈ જવામાં આવી તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે.
મરણ જનારના પરિવારજનોના નિવેદનના આધારે 25 ડિસેમ્બર 2017 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પરબત ઉર્ફે ગગુ ડેરી ખાતે દૂધ ભરવા જવું છે કહી પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદથી તે પોતાના ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુમ બાબતેની જાણ કરવામાં આવી હતી.
એસપી ભગીરથસિંહ ડોડીયાના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા સમયાંતરે ગુમશુદા વ્યક્તિઓને શોધવા માટેની ડ્રાઇવ કરવામાં આવતી હોય છે. એ જ ડ્રાઇવ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પણ ઉકેલાયેલો કેસ આજે ઉકેલાઈ ગયો છે.
સમગ્ર મામલે મરણ જનારના પરિવારજનોની ફરિયાદના આધારે ipc 302 હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો સાથે જ જે માનવ કંકાલ મળી આવ્યા છે તે ખરા અર્થમાં પરબત ઉર્ફે ગગુના છે તે બાબતે ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.
