JCIની મહિલા વિંગ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલીમાં બાલુબા સ્કૂલની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ

ડીવાયએસપી ઋતુ રાબાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું
પોરબંદર જિલ્લા પોલીસ અને જેસીઆઇ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત જેસીઆઇ પોરબંદરની મહિલા વિંગ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક મહિનો સુધી માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોના આયોજનો દ્વારા માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા જિલ્લા પોલીસ અને જેસીઆઇ પોરબંદરની ટીમે સતત સંયુક્ત રીતે પ્રયાસો કર્યા હતા.
લોકો જાગૃત નાગરિક બની માર્ગ સલામતીના તમામ નિયમોનું પાલન કરીને વાહન ચલાવે તેવો સંદેશ આપવા માટે જુના ફુવારાથી રાણીબાગ સુધી એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક જાગૃતિ રેલીમાં બાલુબા કન્યા વિધાલયની વિધાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રેલીને સફળ બનાવવા જેસીઆઇ પોરબંદર મહિલા વિંગના ચેરપર્સન મીશ્રી ગોંદીયા, સોનલ પટેલ, એકતા દાસાણી, જિજ્ઞા તન્ના, હેતલ બાપોદરા, મિતલ લાખાણી, નિધિ રામાણી, અલ્પા અમલાણી, ભૂમિ પટેલ તથા બાલુબા કન્યા વિધાલયના આચાર્ય રાજશ્રીબેન સીસોદીયાના માર્ગદર્શન હેઠળ સ્કૂલનો તમામ સ્ટાફ અને ટ્રાફિક પોલીસના જવાનોએ જહેમત ઉઠાવી હતી.
આ રેલી પ્રસ્થાન સમયે સીટી ડીવાયએસપી ઋતુ રાબા, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, પ્રમુખ આકાશ ગોંદીયા, પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા અને જેસીઆઇના સભ્યો તથા પોલીસ અને ટીઆરબી સ્ટાફ જોડાયો હતો.
