સિંહદર્શનની મજા સાથે સોમનાથ મહાદેવની ધજાજી પૂજા સાથે કર્યો પ્રવાસ
આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની ધોરણ 9 થી 12ની દીકરીઓ માટે એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ પોરબંદરથી દેવરીયા પાર્ક તથા સોમનાથનો હતો જેમાં દીકરીઓ તથા તેમના ગુરૂજનો સહિત 240 લોકો જોડાયા હતા સવારે 5 વાગ્યે પ્રસ્થાન કરેલ આ પ્રવાસ સૌ પ્રથમ દેવરીયા પાર્ક પહોંચી શ્રીજી ફાર્મ રિસોર્ટમાં આલુ પરોઠા, બટેટા પૌવા, દહીં તથા ચા-કોફી ના નાસ્તાની મોજ માણી દીકરીઓને દેવરીયા પાર્ક સિંહદર્શન માટે લઈ જવામાં આવી સિંહ, દીપડા, નીલગાય અને કુદતા હરણાં જોવાની બધાને ખૂબ મજા આવી હતી. તો ગીર જંગલ વિષે, ત્યાં વસવાટ કરતાં પ્રાણીઓ વિષે માહિતી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ ત્યાંથી રવાના થઈ સોમનાથ પહોંચી સાગર દર્શન હોટલના બેંક્વેટ હોલમાં મલાઈ રબડી, સમોસા, પનીરભૂર્જી, આલુમટર, દાળ-ભાત, રોટલી, સલાડ તથા છાસનું ભોજન કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી દીકરીઓ ઓમ નમઃ શિવાયની ધૂન બોલતા બોલતા મુખ્ય મંદિરમાં પહોંચી હતી. શૈક્ષણિક પ્રવાસની સાથે-સાથે દીકરીઓ ધર્મને પણ સમજે એવા હેતુથી સોમનાથ મહાદેવની ધજાજી ચડાવવાનો કાર્યક્રમ રાખેલ તેથી હોલમાં બધીજ દીકરીઓ અને ગુરૂજનો તથા આચાર્યા ડો.રંજના મજીઠીયાએ ધજાજીની પુજા કરી હતી. પુજા બાદ મિલનભાઈ જોષીએ સોમનાથ મંદિર વિષે સંક્ષેપમાં દીકરીઓને સમજાવ્યું હતું. ત્યારબાદ ઢોલ અને શરણાઈના સથવારે ધૂન બોલતા બોલતા મુખ્ય મંદિરની પ્રદક્ષિણા કરી હતી ત્યારબાદ મુખ્ય મંદિરમાં દર્શન કરી સોમનાથના રામમંદિર, ત્રિવેણીસંગમ થઈ ગીતામંદિર પહોંચ્યા હતા ત્યાં ચા, કોફીની લીજ્જત માણ્યા બાદ ત્યાંથી પ્રસ્થાન કરી હાઈવે પરની હોટલમાં પાવભાજીનું ભોજન લઈ રાત્રે 10 વાગ્યે પોરબંદર પહોંચી ગયા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન દીકરીઓને ખૂબ આનંદ આવ્યો હતો તથા આ પ્રવાસ, ભોજન, દર્શન, ધજાજી પુજા વગેરેમાં અમારી દીકરીના પિતા જોષી કેટરસ વાળા મિલનભાઈ જોષીનો પ્રેમભીનો સહયોગ પ્રાપ્ત થયો હતો એમ આચાર્યા ડો.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.