મતદાન કરીને પછી જ માછીમારી કરવા માટે સમુદ્રમાં જઈશું : માછીમાર

બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા માછીમારોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં જોડાવા અપીલ કરાઇ

ખલાસીઓ માછીમારી માટે એક ટ્રીપ દરમિયાન સમુદ્રમાં રહે છે 12થી 15 દિવસ સુધી

000 000 000

પોરબંદર, તા.૩ : લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન તા. ૭ મેના રોજ યોજાનાર છે. અને ૪ જુનના રોજ મતગણતરીની પ્રક્રિયા થનાર છે. આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતદાનના હકનો ઉપયોગ કરે અને દેશના વિકાસમાં મતદાન થકી પોતાનું યોગદાન આપે તેવા હેતુથી પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. અને આ મતદાર જાગૃતિના કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની સાથોસાથ, સંગઠનો સહિત શાળા કોલેજો પણ જોડાઈ રહી છે, ત્યારે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી દ્વારા જિલ્લા કલેકટરશ્રી કે.ડી. લાખાણીના મતદાર જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બની માછીમારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. અને મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ૨૨૦૦ જેટલી બોટ છે, ત્યારે અડધી બોટ દરિયામાં ફિશિંગ માટે હોય છે. માછીમારીને એક ટ્રીપ દરમિયાન ૧૨ થી ૧૫ દિવસ સુધી એક બોટમાં છ થી સાત જેટલા ખલાસીઓ સમુદ્રમાં માછીમારી કરતા હોય છે. માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલ લોકો તેમજ ખલાસીઓ મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે તા. ૭ મેના રોજ મતદાન કરીને જ સમુદ્રમાં માછીમારી કરવા માટે જવા અપીલ કરી હતી. તેમજ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ બોટ માલિકો સહિતને મુકેશભાઈ પાંજરીએ પગાર કાપ્યા વગર ચાલુ પગારે ખલાસીઓ, કામદારોને મતદાન કરવાની રજા આપવા પણ અપીલ કરી હતી, તો બીજી તરફ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ અને સમુદ્રમાં માછીમારી કરવા માટે જતા ખલાસી બારૈયા રામજીભાઈ દેવાભાઈએ જણાવ્યું હતું કે અમે સમુદ્રમાં પંદર – પંદર દિવસ સુધી ફિશિંગ કરતા હોય છે, ત્યારે સાત તારીખે લોકશાહીના મહા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, મતદાન હોવાથી ગમે તે પરિસ્થિતિમાં અમે અશુક પણે મતદાન કરીશું, અને મતદાન કર્યા બાદ જ સમુદ્રમાં માછીમારી કરવા માટે જશું, તેવું જણાવ્યું હતું. તેમની સાથે રહેલ ખલાસી ભાઈઓએ પણ અવશ્ય મતદાન કરીને જ માછીમારી કરવા માટે સમુદ્રમાં જવાના સંકલ્પ કર્યા હતા. આમ, લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં ખલાસી ભાઈઓ અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો જોડાઈ રહ્યા છે. આ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનવા માટે સૌ ઉત્સૂક બન્યા છે. દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી તહેવારોની જેમ કરવામાં આવી રહી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના આ મતદાર જાગૃતિ અભિયાનને પોરબંદરમાં પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!