મૂળ માધવપુર માં 27 વર્ષીય પરણીતાએ ગળાફાંસો ખાય આપઘાત કર્યો

27 વર્ષીય ઉર્મિલા ખેર નામની પરણીતાએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધાનો બનાવ શનિવારના રોજ પોરબંદર જિલ્લાના માધવપુર ગામ ખાતે બન્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતકના 24 વર્ષીય નાના ભાઈ અનિલ ગોંડલીયા દ્વારા મૃતકના પતિ કેશુ ખેર વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 108, 85,115(2), 352 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતમાં તેમજ ઘરકામ કરવા જેવી બાબતે શારીરિક તેમજ માનસિક ત્રાસ પરણીતાને આપવામાં આવતો હતો. તો સાથે જ તેના પતિ દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપી મરવા માટે મજબૂર કરતા પરિણીતાએ શનિવારના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં અનિલ ગોંડલીયાએ જણાવ્યું છે કે, પોતાની મરણ જનાર બહેન ઉર્મિલાએ ત્રણ વર્ષ અગાઉ પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામ ખાતે રહેતા કેશુ ખેર નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આશરે નવ મહિના પૂર્વે બહેનો ઊર્મિલાએ ફોન કરીને વાતચીત કરી હતી કે કેશુ અવારનવાર નાની-નાની બાબતમાં ઝઘડો કરે છે. મારપીટ કરે છે પરંતુ તે સમયે અમે બહેનનો સંસાર ન બગડે તે માટે બધું સારું થઈ જશે તેમ સાંત્વના આપી હતી. તેમજ બાદમાં કેશુને સમજાવીને સમાધાન પણ કરાવ્યું હતું. થોડા દિવસો પછી ઊર્મિલાના ઘરે જતા તેણે કહ્યું હતું કે હજુ પણ કેશું શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે. તે સમયે પણ તેને સમજાવટ કરી હતી. શનિવારના રોજ સવારના 6:30 વાગ્યાના અરસામાં બનેવી કેશું ખેરનો ફોન આવ્યો હતો. તેમજ કહ્યું હતું કે તમારી બહેન ઉર્મિલાએ ગળાફાંસો ખાઈ લીધો છે. તેને માધવપુર સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કરી હતી.
