શનિવારે રાતે છરીના 7 જેટલા ઘા મારી પોરબંદરના નામચીન સાગર ડબલુની હત્યા : 13 વિરુદ્ધ ફરિયાદ
20 થી વધુ પ્રોહિબિશન તેમજ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત 23 વર્ષીય સાગર ઉર્ફે ડબલુ મોતીવરસ નામના યુવાનની હત્યા છરીના 7 જેટલા ઘા તેમજ પથ્થરના ઘા ઝીંકીને રવિવારના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પોરબંદર શહેર ખાતે આવેલા નવા ફુવારા દિવ્ય જ્યોત આંખની હોસ્પિટલ પાસે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આકાશ ઉર્ફે બંધ મગજ ગોહેલ, જુંગી ખુશાલ સહિતના 13 જેટલા વ્યક્તિઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં આકાશ ઉર્ફે બંધ મગજને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પર સતત પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર તેમજ મોટાભાગના આરોપીઓ ખારવાવાડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે જ હત્યાની ઘટના મામલે પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
સાગર ઉર્ફે ડબલુ તેના કોઈ મિત્રની કાર લઈને પોરબંદર નવા ફુવારા પાસે હતો
સમગ્ર મામલે મૃતક સાગર ઉર્ફે ડબલુના 32 વર્ષીય મામા દીપક ઉર્ફે કારો ખારવા દ્વારા રાહુલ ઉર્ફે લાલો ચામડિયા, ખુશાલ જુંગી, ચેતન વાંદરીયા, પવન ઉર્ફે પપ્પુ પરમાર, આકાશ ઉર્ફે બંધ મગજ ગોહેલ સહિત 13 વ્યક્તિઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (2), 111, 115, 352, 61 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના મામાએ જણાવ્યું છે કે, સાંજના 5:30 વાગ્યાના અરસામાં સાગર ઉર્ફે ડબલું કેદારનાથ દર્શન કરીને પરત ફર્યો હતો. તેમજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં સાગર ઉર્ફે ડબલુ તેના કોઈ મિત્રની કાર લઈને પોરબંદર નવા ફુવારા પાસે હતો. જે દરમિયાન સાગર ઉર્ફે ડબલુ સાથે પવન ઉર્ફે પપ્પુ પરમાર, રાહુલ ઉર્ફે લાલો તથા કેવલ મસાણી, ખુશાલ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક સહિતનાઓ પોતાની ધાક જમાવવા માટે એક સાથે મળીને દારૂની હેરફેર તેમજ ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓએ મારા ભાણેજ સાગરને મારી નાખવો છે. તેમ કહી છરી વડે તેમજ ટીકા પાટુના માર વડે તેમજ પથ્થર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનામાં આકાશ ઉર્ફે બંધ મગજ ગોહિલને હાથમાંથી લોહી નીકળતું હતું. જ્યારે મારા ભાણેજને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે હું પણ થોડે દૂર હાજર હતો. પરંતુ બીક ના કારણે હું ત્યાં ગયો નહોતો. પરંતુ બાદમાં તમામ લોકો ત્યાંથી ચાલ્યા જતા હું સાગર પાસે જતા 108 મારફતે પોરબંદર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે તેમજ અગાઉ થયેલ બોલાચાલી નો ખાર રાખીને આરોપીઓ દ્વારા સાગર ઉર્ફે ડબલુની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્ટ ની મદદ થી તમામ ને પકડવાની કામગીરી હાથ ધરી છે તેમ કમલાબાગ પોલીસ સ્ટેશન ના પી આઈ આર. સી કાનમિયા એ જણાવ્યું હતું.