‘એક ઝાડ માતા ને નામ’ અંતર્ગત ગુરુકુળ મહિલા કોલેજ એન.એસ.એસ દ્વારા કાર્યક્રમ યોજાયો
પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ નું જતન અને સંવર્ધન કરવું એ પ્રત્યેક ભારતીયની નૈતિક જવાબદારી હોય ત્યારે કોલેજ શિક્ષણ ની સાથેજ વિદ્યાર્થિની બહેનો પણ પોતાના સમાજ અને વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ તથા વૃક્ષારોપણ જેવા કાર્યોમાં સાથ અને સહકાર આપી હરિયાળી ધરતી માટે એક આહલેક જગાવે તે હેતુથી ગુરુકુળ મહિલા કોલેજ ના એન.એસ.એસ દ્વારા ‘ એક ઝાડ માતાને નામ ‘ કાર્યક્રમ યોજાયો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાની મનકી બાત કાર્યક્રમ દરમ્યાન આજની યુવાપેઢીને પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષ પ્રત્યે પ્રેમ ના સૂત્રને સમાજમાં ગતિશીલ બનાવવા અપીલ કરી હતી જેના ભાગરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદી અને કોર્ડીનેટર ડો.પરાગ દેવાણી ની પ્રેરણાથી ગુરુકુળ મહિલા કોલેજ એન એસ એસ દ્વારા પોરબંદર ફોરેસ્ટ વિભાગની નર્સરીના સહયોગથી વિવિધ ઝાડોના રોપાઓ લાવવામાં આવ્યા હતા જે કોલેજની બહેનોને વિતરણ કરવામાં આવેલા અને આ બહેનો પોતાની માતા ના નામ સાથે જોડી આ ઝાડનું જતન કરશે તેવો વિશ્વાસ આપેલો હતો.
સમગ્ર કાર્યક્રમને કોલેજમાં લાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો અનુપમ નાગર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ તમામ રોપાઓ નિઃશુલ્ક કોલેજને મળે તે માટે ફોરેસ્ટ અધિકારી અરુણ સરવૈયા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું સંકલન ડો.નયન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ બહેનોને આ રોપાઓ વિતરણ થાય તે માટે તમામ તકેદારી ,વ્યવસ્થા અને આયોજન એન.એસ.એસ.પ્રો.ઓફિસર ડો.કેતકી પંડ્યા તથા ડો.રાજેન્દ્ર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું