પોરબંદર જિલ્લાના ગામેગામ…હર ઘર તિરંગા અભિયાન
હર ઘર તિરંગા અભિયાન-પોરબંદર જિલ્લો
૦૦૦
જિલ્લાની શાળાઓના છાત્રોએ ‘હર ઘર તિરંગા’ લહેરાવવા જનજાગૃતિ ફેલાવી
દેગામ અને બીલડી સહિત પ્રાથમિક શાળાના ભૂલકાઓએ તિરંગા યાત્રા યોજી ઘરે-ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરી
૦૦૦
નાગકા સરકારી હાઈસ્કૂલના છાત્રોએ ચિત્ર સ્પર્ધા મારફતે ઘરે ઘરે તિરંગાનો સંદેશો આપ્યો
૦૦૦

પોરબંદર, તા. ૧૦
‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પોરબંદર જિલ્લાની શાળાના બાળકો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ ભૂલકાઓ વિવિધ સ્પર્ધા, રેલી સહિતના કાર્યક્રમોના માધ્યમથી લોકોને ઘરે-ઘરે તિરંગો લહેરાવવા જાગૃતિ ફેલાવી રહ્યા છે. જેમાં દેગામ પ્રાથમિક શાળાના બાળકોએ તિરંગા યાત્રા યોજી હતી તો નાગકા સરકારી હાઈસ્કૂલના છાત્રોએ ચિત્ર સ્પર્ધા મારફતે તિરંગો લહેરાવવા ગ્રામજનોને અપીલ કરી હતી.
ગામમાં વિદ્યાર્થીઓના કાર્યક્રમોથી જાગૃતિ આવી છે અને ગ્રામજનો 15 મી ઓગસ્ટના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવા સહભાગી થયા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે પોરબંદર જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ‘હર ઘર તિરંગા’ ની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં પોરબંદર જિલ્લાવાસીઓને સહભાગી બનાવવા માટે કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી અને ડી.ડી.ઓ.શ્રી કે.બી. ઠક્કર દ્વારા જિલ્લા પંચાયત -વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે તો જિલ્લાના ગામેગામ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો પણ ઘરે-ઘરે લોકો આ અભિયાનમાં જોડાય તે માટે સતત પ્રયત્નશીલ છે .
લોકો પોતાના ધંધા-વ્યવસાયના સ્થળે, ઓફિસે તેમજ ઘરે-ઘરે ગૌરવપૂર્વક તિરંગો લહેરાવી તે બાબતે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય અને તિરંગાના, આઝાદીના ઇતિહાસનું મહત્વ સમજે તેવા ઉમદા હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાની શાળાઓમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન જન જન સુધી પહોંચે તે માટે શાળાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદર નજીકના દેગામ, બીલડી ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોએ તિરંગા યાત્રા કાઢી હતી જેમાં ગામમાં ઘરે-ઘરે અને ફળીયે-ફળીયે જઇને આ ભૂલકાઓએ તિરંગો લહેરાવવા જનજાગૃતિ ફેલાવી હતી. આ જ રીતે પોરબંદર તાલુકાના નાગકા ગામની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં આ છાત્રોએ આકર્ષક ચિત્રો તૈયાર કરી ‘હર ઘર તિરંગા’ લહેરાવવાનો સંદેશ પાઠવીને રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. આ રીતે ‘હર ઘર તિરંગા’ અભિયાન એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જિલ્લામાં જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારૂં ચેતના અભિયાન બની રહ્યું છે.
