પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી
પોરબંદર તા ૧૨
પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પ્રભારી મંત્રીએ સિંચાઈ, રોડ રસ્તા, સ્વચ્છતા, પાણી, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી પ્રજાહિતલક્ષી કામો તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે જિલ્લાના વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.