રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મોહમદ રફી ના 100 મા જન્મદિનની ભવ્ય ઉજવણી
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ભારતના સંગીતજગતના અમર ગાયક મોહમદ રફી સાહેબના 100મા જન્મદિનની યાદમાં એક સુમધુર અને યાદગાર શામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ “એક શામ રફી કે નામ” રાખવામાં આવ્યું હતું.
આ ખાસ કાર્યક્રમમાં પોરબંદરના પ્રખ્યાત ગાયક ઝાહીદ નાગોરી દ્વારા મોહમદ રફીના અમર ગીતોનું રસપ્રદ પ્રસ્તુતિ કરી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમનો સાથ આપ્યો રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ દિવ્યેશ સોઢાની દીકરી પરિતા સોઢા અને સુમધુર અવાજ ધરાવતી પ્રજ્ઞાબેન ગજ્જરએ.
રોટરી પ્રમુખ રો દિવ્યેશ સોઢાએ મોહમદ રફી સાહેબના અદ્વિતીય યોગદાનને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.
તેમણે પ્રખ્યાત ગીતકાર આનંદ બક્ષીના લખેલા ગીતના અદભૂત શબ્દો “ન ફનકાર તુજસા તેરે બાદ આયા મોહમદ રફી તું બહુત યાદ આયા” દ્વારા મોહમદ રફી સાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
આ સાંજ સંગીતપ્રેમીઓ માટે ખરેખર યાદગાર બની. રફી સાહેબના સુરોની મહેક અને આ કલાકારોની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિએ સમગ્ર શામને મધુર બનાવ્યા.
રોટરી ક્લબ ઓફ પોરબંદર સંગીત અને સાંસ્કૃતિક પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરી રહી છે, અને આ મેહફિલ તે જ દિશામાં એક અનોખું પગલું સાબિત થઈ છે.