પોરબંદર રેડક્રોસની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ચેરમેન લાખણશી ગોરાણીયાની નોંધપાત્ર કામગીરી
◆◆◆◆◆◆◆◆◆◆
કલેકટર, ધારાસભ્ય સહિતે રેડક્રોસની કામગીરીને બિરદાવી
વિશ્વભરમાં માનવ સેવા માટે કાર્યરત રેડક્રોસ સોસાયટીની પોરબંદર જિલ્લા શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના પ્રમુખ અને કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા, ડો. સુરેશભાઈ ગાંધી વગેરે ખાસ ઉપસ્થિત રહી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાની પ્રવૃત્તિઓને બિરદાવતાં જણાવ્યું હતું કે ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયાના નેતૃત્વમાં સમગ્ર ટીમ દ્વારા પોરબંદરમાં અનેક પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓને ધમધમતી કરી હજારો લોકોને મદદરૂપ બની ખરા અર્થમાં માનવ ધર્મ બજાવ્યો છે.
■ વાર્ષિક અહેવાલ રજૂ થયો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન તરીકે ચૂંટાયા બાદ લાખણશી ગોરાણીયાની આગેવાનીમાં વર્ષ દરમિયાન થયેલી સેવા પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ વીડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પેથોલોજી લેબોરેટરી, જેનરીક મેડિકલ સ્ટોર, રક્તદાન કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો, થેલેસેમિયા જાગૃતિ અભિયાન, ટીબી નાબુદી અભિયાન, પ્રાથમિક સારવાર તાલીમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યુથ અને જુનિયર રેડક્રોસ, ફ્રી મેડિકલ સાધન સેવા, એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્ષ, દેહદાન જાગૃતિ, આરોગ્ય જાગૃતિ, તહેવારોમાં રાશન કીટ વિતરણ જેવી થયેલી અનેક સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તતૃત અહેવાલ રજૂ થયો હતો.
■ વિશિષ્ટ સન્માન :
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખામાં જુદાજુદા હોદાઓ ઉપર સતત 51 વર્ષ સુધી સેવા આપનાર અને સાત વર્ષથી રાજ્યની મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે કાર્યરત એવા અકબરભાઈ સોરઠીયાનું તથા જિલ્લા શાખાની ઓફિસમાં પીઆરઓ તરીકે નિઃશુલ્ક સેવા આપનાર જગદીશભાઈ થાનકીની સેવાની નોંધ લઈ આ બંને સેવાના સારથીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાની વાર્ષિક સાધારણ સભામાં ઉપપ્રમુખ અરવિંદ રાજ્યગુરુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વાર્ષિક હિસાબો ખજાનચી ચંદ્રેશ કિશોરે રજૂ કર્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સેક્રેટરી અકબરભાઈ સોરઠીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન પાણખાણીયાએ કર્યું હતું.
આ વાર્ષિક સાધારણ સભામાં પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના હોદેદારો, રેડક્રોસના લાઈફ મેમ્બરો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર રેડક્રોસની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.