પોરબંદર પોલીસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસનો પ્રારંભ
એક મહિના સુધી રોડ સેફટી માટે યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો



સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા. ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી 2025 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
■ રેલી દ્વારા રોડ સેફટી માસનો પ્રારંભ:
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી, ડીવાયએસપી વી.બી.દલવાડી, એઆરટીઓ કુલદીપ જાડેજા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા વગેરેએ લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ વાહનો અને બાઇક દ્વારા નરસંગ ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
■ એક મહિના સુધીના કાર્યક્રમો :
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના હેલ્થ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ ટ્રાફિક જાગૃતિ રેલીના પ્રસ્થાન સમયે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદીજુદી જ્ઞાતિઓના આગેવાનો, પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા અને જેસીઆઇના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
