ગુરુકુલ મહિલા કોલેજમાં એન.એસ.એસ.ખાસ વાર્ષિક શિબિર સંપન્ન.

‘હું નહિ પણ તમે’ નાં એન.એસ.એસ.નાં મંત્રને સાર્થક કરી કોલેજ અભ્યાસ દરમ્યાન રાષ્ટ્ર સેવા માટે પોતાનું યોગદાન આપવા ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની એન.એસ.એસ.ની વિદ્યાર્થીની માટે ખાસ વાર્ષિક શિબિરનું સાત દિવસીય આયોજન સીમાણી ગામે તા.26.01.2025 થી તા.01.02.2025 દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્ઘાટન સમારોહ 26.01.2025નાં રોજ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં કોલેજના આઈ. ક્યૂ. એ. સી. ના સભ્ય શ્રી નરેન્દ્રસિંહ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહ માં કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષ શ્રી નરેન્દ્રસિંહ રાણા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમ નાગર સાહેબ, વાઈસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રાજેન્દ્રભાઈ ચૌધરી તેમજ ડો. નમ્રતાબેન સામાણી, પૂર્વ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. કેતકીબેન પંડ્યાતેમજ એન.એસ.એસ. લીડર્સના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર કેમ્પને પ્રેરણા પ્રોત્સાહન અને દિશા સૂચન પૂરું પાડનાર કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ.અનુપમ નાગર સાહેબ દ્વારા કેમ્પમાં ભાગ લેનારી બહેનોને પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રના વિકાસમાં એન.એસ.એસ.નો શું ફાળો હોય શકે અને એક સ્વયં સેવક તરીકે પ્રત્યેક વિદ્યાર્થિની શું શું કરી શકે અને શું કરવું જોઈએ તેનું પ્રેરણાત્મક સંબોધન કરેલું હતું સાથે એન.એસ.એસ. શબ્દનાં અર્થની પણ પરીભાષા કરી હતી. સમગ્ર ઉદ્ઘાટન સમર સમારોહમાં દેશભક્તિ તેમજ સ્વયં સેવા નો ભાવ છલકાતો જોવા મળેલ હતો. સમગ્ર કેમ્પ દરમ્યાન સીમાણી ગામનાં સરપંચ શ્રી, મંત્રી શ્રી, પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી ઉર્વશીબેન ડોડીયા અને શિક્ષિકાઓ શ્રી નેહલબેન, રૂપલબેન અને પૂજાબેન સહકારથી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

શિબિરના બીજા દિવસે ગામની સફાઈ કરી શાળાનાં બાળકોમાં શારીરિક સ્વાસ્થ્ય પરત્વે જાગરૂકતા આવે તે હેતુથી વિવિધ રમત-ગમતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા અને ભાગ લેનાર સર્વ બાળકોને નશાબંધી અને આબકારી ખાતા તરફથી ત્રણ હજાર રૂપિયાના પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. શિબિરના ત્રીજા દિવસે ગૌ સંરક્ષણ સંદર્ભે બાબડા ગૌશાળા ની મુલાકાત લેવામાં આવી હતી. જે માટે આ ગૌશાળાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ થાનકી દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી અને ત્યાં જઈ બહેનોએ ગાય આધારિત ખેતી તથા ગાયનાં દૂધ અને તેની વિવિધ પ્રોડક્ટ્સ વિશે અને આરોગ્યની દૃષ્ટિએ ગાયનાં દૂધની ઉપયોગિતા ઉપર રસપ્રદ માહિતીઓ એકઠી કરેલી હતી ત્યારબાદ ધાર્મિક સ્થળ બગવદર રાંદલ માતાના મંદિરની મુલાકાત લીધી હતી. આ દિવસે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના વાઇસ પ્રિન્સિપાલ તેમજ એનએસએસ ના પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રો. રોહિણીબા જાડેજા પણ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે અમારી સાથે આવેલ. ચોથા દિવસે ૐ ગીતામાં ગૌશાળા- જીવદયા ટ્રસ્ટની તેમજ ધાર્મિક સ્થળ મોઢવાડા લીરબાઈ મંદિરની મુલાકાત લીધી હતી. આ દિવસે એન.એસ.એસ. ના પૂર્વ પ્રોગ્રામ ઓફિસર ડો. નયનભાઈ ટાંક તેમજ ડો. ભાર્ગવ ભાઈ ભટ્ટ તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવા અમારી સાથે જોડાયા હતા. શિબિરના પાંચમાં દિવસે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પોરબંદરનાં જાણીતા દંત ચિકિત્સક ડૉ. મીતભાઈ બાપોદરા દ્વારા ગ્રામજનોના દાંતની નિ:શુલ્ક તપાસણી કરી આપવામાં આવી હતી તેમજ ગ્રામજનોને તંબાકુ ગુટકા જેવા વ્યસનોથી દૂર રહેવા જણાવ્યું હતું તેમજ દાંતની નિયમિત સફાઈ તેમજ તપાસણી કરવા માટેની જાગૃતતા પણ ફેલાવી હતી. આ દંત યજ્ઞમાં ગામનાં પુરુષ,સ્ત્રી તેમજ બાળકો મળી કુલ 136 જેટલા લોકોનાં દાંત તપાસવામાં આવ્યા હતા સાથે જ આ આયોજનને વધુ સફળ બનાવવા માટે અંગ્રેજી વિભાગના અધ્યક્ષા અને એન.એસ.એસ. ના પૂર્વ પ્રોગ્રામ ઓફીસર પ્રો.ડૉ.કેતકી પંડ્યાએ 60 જેટલા બાળકોને પંતજલી દંતકાંતિનાં ટૂથપેસ્ટ અને બ્રશની કીટની વહેચણી પણ કરી હતી આમ આ મેડિકલ કેમ્પ ખરા અર્થમાં સફળ રહ્યો હતો.

શિબિરના છઠ્ઠા દિવસે ઘુમલી આશાપુરા માંના મંદિરે દર્શન કરી ત્યારબાદ વિદ્યાર્થીનીઓ ઐતિહાસિક ધરોહરથી પણ અવગત થાય તે હેતુથી જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં બનાવવામાં આવેલુ સૂર્ય દેવને સમર્પિત ઘુમલીનાં નવલખા મંદિરની મુલાકાત લઈ, ત્રિકમજી બાપુના આશ્રમ પહોંચી ભોજન લઇ બાપુની વાવ, મોડપરનો ઐતિહાસિક કિલ્લો, બિલેશ્વર મહાદેવ મંદિર, જામ્બુવતી ગુફા તેમજ સાંદિપની મંદિરની મુલાકાત લીધી હતી. આ કેમ્પની પૂર્ણાહુતિ પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી ઉર્વશીબહેન ડોડીયા નાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સવારે વિદ્યાર્થિઓએ ગ્રામમાં જઈ રોડ સેફ્ટી, સ્વચ્છતા, પર્યાવરણ, નશામુક્તિ, મતદાન જાગૃતિ, સ્વાસ્થ્ય જાળવણી, દીકરીઓને આગળ શા માટે ભણાવવી જોઈએ વગેરે જેવી વાતો ઘરે ઘરે જઈ કરી હતી. ત્યારબાદ શાળામાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ડૉ. કેતકીબેન પંડ્યા તેમજ ડૉ. નમ્રતાબેન સામણીએ બાળકો ને બાળગીત ગાઈ અને ગવડાવી આનંદિત કરેલા. અંતિમ ચરણમાં સીમાણી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયેલો. છેલ્લા દિવસની સમાપન વિધિમાં પ્રોગ્રામ ઓફિસર ડો. રાજેન્દ્રભાઈ ચૌધરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને એન એસ એસ શું છે અને એ કોલેજ કક્ષાએ શું કાર્ય કરે છે એ બાબતે અવગત પણ કરેલ હતા. તેમજ કાર્યક્રમના અંતે જાગૃતિ ફેલાવવા ગયેલ વોલન્ટીયર્સનું પ્રતિનિધિત્વ કરતા એક વોલન્ટીયર બહેને ગ્રામજનો સાથે થયેલ સંવાદનો પ્રતિભાવ પણ આપેલ અને અંતે ડૉ. નમ્રતાબેન સામાણી દ્વારા તમામનો આભાર માન્યો હતો.

સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અનુપમભાઈ નાગર સાહેબે માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ તેમજ એન.એસ.એસ.ના પૂર્વ પ્રોગ્રામ ઓફીસર પ્રો.ડૉ.કેતકીબેન પંડ્યા તેમજ હાલમાં કાર્યરત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.રાજેન્દ્રભાઈ ચૌધરી અને ડૉ. નમ્રતાબેન સામાણી એ જહેમત ઉઠાવી હતી. તો આ કેમ્પ માટે જરૂરી વ્યવસ્થા માટે આર્ય કન્યા ગુરુકુળના એડમીન શ્રી અમિતભાઈ ભટ્ટનો પૂરો સહયોગ પ્રાપ્ત થયેલો હતો ત્યારે આ કેમ્પ એક સુંદર સંભારણું બની રહે તે માટે એન.એસ.એસ.લીડર કુ.મયુરી રાણાવાયા, કુ. પ્રિયા વારા તથા કુ.રાજી પરમાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું અને કોલેજના તમામ અધ્યાપક મિત્રો તથા સર્વ ઓફિસ સ્ટાફનાં સહયોગથી આ કેમ્પ ખરા અર્થમાં સેવા પ્રકલ્પ બની રહ્યો.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!