પોરબંદરનો જન્મદિવસ : કેક પર મીણબત્તીઓ, પરંતુ યુવાનોના સપનાઓ બુઝાઈ રહ્યા છે

(નિમેશ ગોંડલીયા)
મહાત્મા ગાંધીજીના જન્મસ્થળમાં એક પણ મોટો ઉદ્યોગ નહીં, યુવાનોનું શહેર છોડવાનું વલણ, વિકાસનો લાભ માત્ર રાજકીય વર્ગને!
આજે પોરબંદર શહેરનો જન્મદિવસ છે. ઈતિહાસમાં ગૌરવ ધરાવતું આ શહેર આજના સમયમાં વિકાસ માટે હાથ ફેલાવી રહ્યું છે.શહેરમાં એક પણ મોટો ઉદ્યોગ નથી. રોજગારની તકો સીમિત હોવાથી યુવાનોને પોતાના ભવિષ્ય માટે ઘર છોડવું પડે છે. ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ કે સેવા ક્ષેત્રે કોઈ મજબૂત માળખું ઉભું નથી. આર્થિક વિકાસનો લાભ માત્ર રાજકીય નેતાઓ અને તેમના ચાહકવર્ગ સુધી મર્યાદિત રહ્યો છે. રસ્તાઓ, આરોગ્યસુવિધા, શિક્ષણ કે જાહેર વ્યવસ્થામાં સુધારાની ગતિ ધીમી છે. આમ જનતા મોંઘવારી, નોકરીના અભાવ અને આવકના ઘટતા સ્તર જેવી આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.
વિરોધાભાસ એ છે કે, જ્યાં ગાંધીજીના સિદ્ધાંતો વિશ્વને પ્રેરણા આપે છે, એ જ શહેરના યુવાનોને પોતાના ભવિષ્ય માટે પોરબંદરને છોડવું પડે છે. જન્મદિવસના કેક પર મીણબત્તીઓ તો બળે છે, પણ અહીંના યુવાનો ના સપનાઓની જ્યોત ધીમી પડી રહી છે.
પોરબંદરના જન્મદિવસની ઉજવણી કરતા પહેલા, કદાચ આપણે એ વિચારવું જોઈએ કે આગામી પેઢી માટે કઈ ભેટ આપવી – ફક્ત સ્મૃતિઓ કે વિકાસની સાચ્ચી તકો?
તમારો અભિપ્રાય જણાવશો
