દુબઈ ખાતે યુનિવર્સલ આઈડલમાં ધાર્મિક ઢાંકેચા સંગીતના સુર રેલાવશે
ઇન્ટરનેશનલ સિગિંગ કોમ્પિટિશનમાં પોરબંદરના યુવાનની પસંદગી

એચએમસી ઇવેન્ટ્સ દ્વારા દુબઈ ખાતે આગામી જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ સિગિંગ કોમ્પિટિશન યુનિવર્સલ આઈડલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિશ્વના 100થી વધુ દેશોના કલાકારો ભાગ લેશે. આ કોમ્પિટિશન માટે ભારતમાંથી છ કલાકારોની પસંદગી કરવામાં આવી છે તેમાં પોરબંદરના યુવાન ધાર્મિક ઢાંકેચાની પસંદગી થતા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ ધાર્મિકની આ સફળતા માટે અભિનંદન પાઠવી આગામી પર્ફોર્મન્સ માટે શુભેચ્છાઓ આપી હતી.
દુબઈ ખાતે યોજાનાર ફાઇલન સ્પર્ધા માટે દરેક દેશોમાંથી ઓડિશન દ્વારા કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે તેમાં ભારતમાંથી કલાકારોની પસંદગી માટે દિલ્હી ખાતે યોજાયેલી ઓડિશનમાં 1500 જેટલા કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી તેમાંથી દુબઈની ફાઇનલ ઇવેન્ટ માટે માત્ર છ કલાકારોને પસંદ કરવામાં આવ્યા જેમાં પોરબંદરના યુવાન ધાર્મિક ઢાંકેચાની પસંદગી થતા સમગ્ર પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
જેસીઆઈ પોરબંદર દ્વારા દર વર્ષે યોજાતી વોઇસ ઓફ પોરબંદર સિગિંગ કોમ્પિટિશનમાં સીનીયર અને જુનિયર બંને વિભાગોમાં ધાર્મિક ઢાંકેચાએ વિજેતા બનીને સંગીત ક્ષેત્રની શરૂઆત કરી હતી તે યુવાન હવે ભારતના સીમાડા વટાવીને વિદેશની ધરતી ઉપર પોતાની સંગીત કલા રજૂ કરી પોરબંદરનું ગૌરવ વધારશે.
દિલ્હી ખાતે ઓડિસનમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહેલા બોલિવૂડ અભિનેતા નિલનીતિન મુકેશે પણ ધાર્મિકના પર્ફોર્મન્સને વધાવી અભિનંદન આપ્યા હતા.
